01 August, 2026 02:25 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
બ્રેઇનડેડ જાહેર કરાયેલો મિથુન સ્વૈન (ડાબે), અમદાવાદ સ્ટેશનથી હૃદયને U.N. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલૉજી ઍન્ડ રિસર્ચ સેન્ટરમાં પહોંચાડવામાં આવ્યું હતું.
ભારતીય રેલવેએ એક આવકારદાયક સિદ્ધિ નોંધાવી છે. ભારતમાં પહેલી વાર એવી ઘટના બની છે જેમાં ગઈ કાલે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં સુરતથી એક જીવંત હૃદયને સલામત રીતે અને સમયસર અમદાવાદ પહોંચાડવામાં આવ્યું હતું. અમદાવાદમાં આવેલી ઉત્તમભાઈ નાથાલાલ (U.N.) મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલૉજી ઍન્ડ રિસર્ચ સેન્ટરમાં આ હૃદયનું પ્રત્યારોપણ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
બ્રેઇનડેડ જાહેર કરાયેલા મિથુન સ્વૈનના આત્માની શાંતિ માટે સુરતની સિવિલ હૉસ્પિટલમાં ડૉક્ટરો સહિતના સ્ટાફે અને પરિવારજનોએ પ્રાર્થના કરી હતી
સુરતથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દ્વારા અમદાવાદ આવી પહોંચેલા આ હૃદયને અમદાવાદ સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર એકથી U.N. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલૉજી ઍન્ડ રિસર્ચ સેન્ટરમાં પહોંચાડવા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને ગુજરાત પોલીસ દ્વારા ગ્રીન કૉરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. અમદાવાદ મંડળના રેલ-પ્રબંધક વેદ પ્રકાશે કહ્યું હતું કે ‘ભારતીય રેલવે માટે આ ગૌરવ અને સંતોષની ક્ષણ છે કે વંદે ભારત એક્સપ્રેસ દ્વારા સુરતથી અમદાવાદ સુધી જીવંત હૃદયને સુરિક્ષત અને સમયસર પહોંચાડવા માટે સફળતા મળી છે. ભારતીય રેલવે, RPF, ગુજરાત પોલીસ અને તબીબોની ટીમો વચ્ચેના સંકલનથી આ અભિયાન સફળ બન્યું છે. કોઈ વ્યક્તિનું જીવન બચાવવામાં ભારતીય રેલવેની ભૂમિકા નિભાવવી અમારા માટે માત્ર જવાબદારી જ નહીં, સેવા અને માનવતાપ્રતિની પ્રતિબદ્ધતા છે.’