03 November, 2025 02:38 PM IST | Vadnagar | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર
ઉત્તર ગુજરાતમાં આવેલા વડનગરમાં દેશનો સૌપ્રથમ વૃંદાવન ગૌચર પાર્ક બનાવવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરમાં અંદાજે ૧૫ કરોડ રૂપિયાના ખર્ચે આ પાર્ક બનાવવામાં આવશે જે ગૌશાળા ઉપરાંત અત્યાધુનિક ગ્રામીણ પ્રયોગશાળા પણ બનશે. પરંપરા અને ટેક્નૉલૉજીનો સંગમ કરીને આ પાર્કને રૂરલ ઇનોવેશન હબ તરીકે વિકસાવવામાં આવશે.
વૃંદાવન ગૌચર પાર્ક પ્રોજેક્ટ માટે નગરપાલિકા, જિલ્લા અને રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. પ્રાચીન અને ઐતિહાસિક નગરી વડનગરમાંથી પુરાતત્ત્વીય અવશેષો પણ મળી આવ્યા છે ત્યારે ગૌચર પાર્ક અંતર્ગત રખડતી ગાયોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાના ઉદ્દેશ સાથે અમરથોલ વિસ્તારમાં ગૌરીકુંડ નજીક વૃંદાવન ગૌચર પાર્ક બનાવવામાં આવશે. પાર્કમાં ગાયો માટે ગૌચરને અનુરૂપ ઘાસચારો, પાણીની વ્યવસ્થા કરવા ઉપરાંત વેટરિનરી હૉસ્પિટલ અને પાર્કમાં મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવામાં આવશે. પાર્ક ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના સર્વેલન્સથી સજ્જ કરવામાં આશે અને આ પાર્ક પર્યટન-સ્થળ બને એ રીતે એનો વિકાસ કરવામાં આવશે. આ પાર્કનું વિઝન માત્ર ગાયો સુધી સીમિત ન રાખતાં ગાય-આધારિત ગ્રામીણ વિકાસનું આદર્શ મૉડલ બનાવવામાં આવશે. એમાં ગાયથી ગામની કાયાપલટનું વિઝન છે. આ પાર્ક માત્ર ગૌશાળા જ નહીં બની રહે, પરંતુ ગ્રામીણ પ્રયોગશાળા અને પ્રવાસન કેન્દ્ર પણ બનાવવામાં આવશે જ્યાં પરંપરા અને ટેક્નૉલૉજીનો સંગમ કરીને પાર્કને રૂરલ ઇનોવેશન હબ તરીકે વિકસાવવામાં આવશે. ગુજરાત સરકાર આ પ્રોજેક્ટથી ગાય, ગામ, ખેડૂત અને પશુપાલક સુધી દરેકના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની યોજના કરી રહી છે. ગૌચર પાર્ક કૃષિ-પર્યટન અને સાંસ્કૃતિક-પર્યટનનું નવું કેન્દ્ર બનશે. પાર્કમાં સ્થાનિક કારીગરો, હસ્તકલા અને પરંપરાગત ભોજન માટે બજાર અને પ્રદર્શનનું આયોજન થશે જેના દ્વારા સ્થાનિક અર્થતંત્રને લાભ મળશે.