સુરતમાં વૅક્સિનના બીજા ડોઝ માટે કુકિંગ ઑઇલ આપવાની પહેલ સફળ

27 November, 2021 10:18 AM IST  |  Ahemdabad | Shailesh Nayak

૭૮ હેલ્થ સેન્ટરો પર ગઈ કાલથી યોજના અમલમાં મૂકી અને એક દિવસમાં સાંજ સુધીમાં ૨૦,૦૪૮ લોકોએ વૅક્સિનનો બીજો ડોઝ લીધો : અત્યાર સુધીમાં સુરતમાં ૬૯ ટકા લોકો બન્ને ડોઝ લઈ સુરક્ષિત થયા

સુરતના અર્બન હેલ્થ સેન્ટર પર કોરોના રસીનો બીજો ડોઝ લેનાર વ્યક્તિને સુરતનાં મેયર હેમાલી બોઘાવાલાએ એક લીટર કુકિંગનું પાઉચ આપીને પ્રોત્સાહિત કર્યા હતા.

કોરોનાથી નાગરિકોને સુરક્ષિત કરવા માટે વૅક્સિનના બન્ને ડોઝ લેવા આવશ્યક છે ત્યારે લોકો વૅક્સિનનો બીજો ડોઝ સમયસર લઈ લે તે માટે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશને આવકારદાયક પહેલ કરતાં ગઈ કાલે વૅક્સિનનો બીજો ડોઝ લેનાર વ્યક્તિઓને એનજીઓ દ્વારા એક લીટર કુકિંગ ઑઇલ ગિફટ આપવામાં આવ્યું હતું. જેમાં સાંજ સુધીમાં ૨૦,૦૪૮ વ્યક્તિઓએ વૅક્સિનનો બીજો ડોઝ લઈને પોતાની જાતને સુરક્ષિત કરવા ઉપરાંત ભેટમાં એક કિલો ખાદ્ય તેલ મેળવ્યું હતું.
સુરતનાં મેયર હેમાલી બોઘાવાલાએ ગઈ કાલે અર્બન હેલ્થ સેન્ટરમાં બીજો ડોઝ લેનાર વ્યક્તિઓને ખાદ્ય તેલનું પાઉચ ગિફટમાં આપીને પ્રોત્સાહિત કર્યા હતા. હેમાલી બોઘાવાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાની રસીનો બીજો ડોઝ નાગરિકો લે તે માટે પ્રોત્સાહિત કરવા માટે યુવા અનસ્ટોપેબલ સંસ્થાના માધ્યમથી આ કાર્ય કરવામાં આવ્યું છે. લોકો વૅક્સિન લેવા પ્રેરાય તે હેતુ આની પાછળ છે. સુરતના ૭૮ જેટલાં હેલ્થ સેન્ટરો પર આ યોજના અમલમાં મૂકી છે.’
સુરતના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (હેલ્થ) ડૉ. આશિષ નાયકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુરતમાં ગઈ કાલે ૨૦,૦૪૮ નાગરિકોએ રસીનો બીજો ડોઝ લીધો હતો. સુરતમાં વૅક્સિનનો પહેલો ડોઝ આપવાની ૧૦૮ ટકા કામગીરી થઈ છે. બીજો ડોઝ જેમનો ડ્યુ થયો છે તેવા ૨૦ ટકા લોકો છે. અંદાજે ૬ લાખ જેટલા લોકોને બીજો ડોઝ લેવાનો બાકી છે. અત્યાર સુધીમાં સુરતમાં ૬૯ ટકા લોકોએ કોરોના રસીના બન્ને ડોઝ લીધા છે.’ 

gujarat news surat