21 June, 2025 07:59 AM IST | Vadnagar | Gujarati Mid-day Correspondent
શર્મિષ્ઠા તળાવ
આજે યોગ દિવસે ગુજરાતના વડનગરમાં શર્મિષ્ઠા તળાવના કિનારે ભુજંગાસન મુદ્રામાં વર્લ્ડ રેકૉર્ડ કરવાનું લક્ષ્ય ગુજરાતે રાખ્યું છે એટલું જ નહીં; ગુજરાતમાં ૧૭ શહેરો, ૧૮ હજારથી વધુ ગામો, શાળા-કૉલેજો, આરોગ્ય કેન્દ્રો, જેલો, પોલીસ-હેડક્વૉર્ટર્સ તેમ જ પોલીસ-સ્ટેશનો તેમ જ ૧૦૦ અમૃત સરોવર ખાતે પણ સામૂહિક યોગ કાર્યક્રમ યોજાશે અને લાખો લોકો યોગમય બનશે.
અગિયારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આજે વડનગરમાં થશે. ‘યોગ ફૉર વન અર્થ–વન હેલ્થ’ની થીમ સાથે ઊજવાનારા યોગ દિવસ સાથે ગુજરાતમાં આ ઉજવણીમાં ‘સ્વસ્થ ગુજરાત–મેદસ્વિતામુક્ત ગુજરાત’નું ધ્યેય પણ રાખવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે સવારે ૬ વાગ્યાથી યોજાનારા રાજ્યકક્ષાના મુખ્ય કાર્યક્રમમાં જોડાશે.