શ્રી ગિરનારજી તીર્થ પર તોડફોડના આક્ષેપ સામે જૈન સમાજનું સામૂહિક આયંબિલ

07 October, 2025 07:29 AM IST  |  Girnar | Gujarati Mid-day Correspondent

અનેક જૈન ભાઈબહેનો બુધવારે દિવસમાં એક વાર માત્ર લુખ્ખું ભોજન કરીને વિરોધ નોંધાવશે

ગુરુ ગોરખનાથની પવિત્ર જાથામાં મોડી રાતે કેટલાક અજાણ્યા લોકોએ તોડફોડની ઘટના સામે આવી હતી.

જૂનાગઢમાં ગિરનાર પર્વત પર આવેલા નાથ સંપ્રદાયના ગુરુ ગોરખનાથની પવિત્ર જાથામાં મોડી રાતે કેટલાક અજાણ્યા લોકોએ તોડફોડની ઘટના સામે આવી હતી.

જોકે સોમનાથબાપુએ આપેલા સ્ટેટમેન્ટમાં આ કૃત્ય જૈનો દ્વારા કરવામાં આવ્યું છે એવો આક્ષેપ કરવામાં આવ્યો એનાથી સમગ્ર જૈન સંઘમાં ઘેરા આક્રોશની લાગણી ફેલાઈ છે. આ આક્ષેપના વિરોધમાં શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન, અમદાવાદ, ચેન્નઈ, બૅન્ગલોર, સુરત જૈન સંઘ સંગઠનના આગેવાનોએ ચર્ચા-વિમર્શ કરીને પોતાનો વિરોધ નોંધાવવાનું નક્કી કર્યું હતું.

ભારતભરના જૈનો આવા બિનજવાબદાર આક્ષેપોના વિરોધમાં બુધવારે આયંબિલની ઓળીના છેલ્લા દિવસે સામૂહિક આયંબિલ એટલે કે દિવસમાં એક વાર માત્ર લુખ્ખું ભોજન કરીને પોતાનો વિરોધ નોંધાવશે.

ખરેખર તો જૈનોને શ્રી ગિરનારજી પર કેટલાક પ્રસંગે જૈનો પર હુમલો કરવાના બનાવો પણ બન્યા છે. સમગ્ર જૈન સંઘમાં આનાથી દુ:ખની લાગણી ફેલાઈ છે અને ખોટી રીતે આ વાતમાં જૈનોને સંડોવવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે એને માટે જૂનાગઢ પોલીસને અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે એવું સંગઠનની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે.

સમગ્ર ભારતભરના જૈનોને આહ્‌વાન કરવામાં આવ્યું છે કે પ્રત્યેક જૈન સંઘમાં મોટા પાયે આ સ્ટેટમેન્ટના વિરોધમાં લુખ્ખું ભોજન કરી એટલે કે આયંબિલનાં તપ કરીને બુધવારે આ સ્ટેટમેન્ટનો વિરોધ કરવામાં આવે એવું શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠને જણાવ્યું છે.

gujarat news gujarat girnar junagadh Crime News jain community gujaratis of mumbai gujarati community news kutchi community