29 May, 2026 12:54 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પંન્યાસશ્રી ૐકારશેખર વિજયજી મહારાજસાહેબના અકસ્માતનો વિડિયો-ગ્રૅબ, રોડ-અકસ્માતમાં કાળધર્મ પામેલા પંન્યાસશ્રી ૐકારશેખર વિજયજી મહારાજસાહેબ.
ગયા અઠવાડિયે મધ્ય પ્રદેશના રીવામાં એક હાઈ-સ્પીડ કારે વિહાર કરી રહેલાં બે દિગંબર સાધ્વીજીઓનાં મોત નીપજાવ્યાના આઘાત અને આક્રોશમાંથી જૈન સમાજ બહાર આવ્યો નથી ત્યાં ગઈ કાલે સવારે પોણાછ વાગ્યાની આસપાસ ચોટીલા-અમદાવાદ હાઇવે પર રૉન્ગ સાઇડથી ઓવરટેક કરીને ફુલ સ્પીડમાં પસાર થઈ રહેલા એક વાહને શ્વેતાંબર જૈન સમાજના શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિ સમુદાયના જૈનાચાર્ય શ્રી અજિતશેખરસૂરિ મહારાજાના ૫૧ વર્ષના સુશિષ્ય પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર ૐકારશેખર વિજયજી મહારાજસાહેબને ટક્કર મારીને પંદરથી ૨૦ ફુટ દૂર ઉછાળી દેતાં તેઓ ઘટનાસ્થળે જ કાળધર્મ પામ્યા હતા. આ ગમખ્વાર બનાવથી જૈન સમાજમાં વિહાર કરી રહેલા સાધુ-સંતોની સુરક્ષાના પ્રશ્ને ચકચાર જાગી છે. અકસ્માતની દુર્ઘટના બની એ સમયે પંન્યાસ પ્રવર ૐકારશેખર વિજયજી મહારાજસાહેબ ગઈ કાલે સવારે અન્ય ૧૫ સાધુ-સંતો સાથે સુરેન્દ્રનગર પાસેના શાપર ગામથી વિહાર કરીને ચોટીલા જઈ રહ્યા હતા. ચોટીલા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
જૈનાચાર્ય અજિતશેખર મહારાજાએ ગઈ કાલના અકસ્માતની માહિતી આપતાં કહ્યું હતું કે ‘આ વખતનું ચાતુર્માસ જૈનોના ગિરનાર તીર્થમાં હોવાથી અમે સાધુ-સંતો ગિરનાર તરફ વિહાર કરી રહ્યા હતા. ગઈ કાલે સવારે અમે રાજકોટ જિલ્લા પાસેના શાપર ગામથી બે ટુકડીઓ બનાવીને ચોટીલા તરફ વિહાર કરી રહ્યા હતા. મઘરીખડા ગામ પાસેના હાઇવેથી અમે વિહાર કરી રહ્યા હતા ત્યારે વચ્ચે પરમધામથી છ-સાત કિલોમીટર પહેલાં રસ્તો સાંકડો થઈ જતાં ૐકારશેખર વિજયજી મહારાજસાહેબ સાથેના ૧૫ સાધુઓ ટ્રાફિકમાં કોઈ વાહન તેમને અથડાઈ ન જાય એ રીતે પોતાની સુરક્ષાનું ધ્યાન રાખીને રસ્તાની એક બાજુમાં છૂટા-છૂટા ચાલી રહ્યા હતા. પંન્યાસશ્રી બધાથી થોડા અંતર દૂર એકલા ચાલી રહ્યા હતા. અચાનક અમારા સાધુઓને એક જોરદાર અવાજ આવ્યો હતો. તેમણે પાછળ ફરીને જોયું તો ૐકારશેખર વિજયજી મહારાજસાહેબની ડેડ-બૉડી રસ્તા પર પડી હતી. તેમના પેટ નીચેના ભાગમાં અને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને ટ્રાફિકમાં કોઈ અજાણ્યા વાહને ઓવરટેક કરીને ફુલ સ્પીડમાં આગળ જવામાં ટક્કર મારીને જીવલેણ રીતે ઘાયલ કરી દીધા હતા. તેઓ ઘટનાસ્થળે જ કાળધર્મ પામ્યા હતા.’
ચોટીલા શ્રી દેરાવાસી જૈન સંઘ અને શ્રી સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા ગઈ કાલે સાંજે ૪ વાગ્યે ચોટીલામાં પાલખીયાત્રા યોજીને ૐકારશેખર વિજયજી મહારાજસાહેબના સેંકડો ભાવિકોની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
૨૬ વર્ષનો સંયમપર્યાય
જૈનાચાર્ય શ્રી અજિતશેખરસૂરિ મહારાજાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૂળ રાજસ્થાનના ભંવરજી ચુન્નાજીના સંસારી પુત્ર શૈલેષભાઈનો જન્મ ૧૯૭૫ની ૨૪ ઑક્ટોબરે મલાડમાં થયો હતો. વર્ષ ૨૦૦૦ની પહેલી ડિસેમ્બરે દીક્ષા અંગીકાર કરીને તે પરમ પૂજ્ય મુનિશ્રી પ્રભુપ્રેમશેખર વિજયજીના શિષ્ય બન્યા હતા. તેમણે ૨૬ વર્ષના સંયમ પર્યાય દરમ્યાન ત્યાગ, તપ અને શાસનસેવાનું અદ્દ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ૨૦૨૧ની બાવીસ નવેમ્બરે કર્ણાટક ગબ્બુર હુબલીના શ્રી પાર્શ્વપદમાલયમ તીર્થમાં તેમને પંન્યાસપદથી નવાજવામાં આવ્યા હતા.’