28 September, 2026 01:51 PM IST | Godhra | Bespoke Stories Studio
સ્નેહ મિલન સમારોહની ઝલક
સમાજમાં વડીલોનું સ્થાન હંમેશા પૂજનીય અને આદરણીય રહ્યું છે. વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશેલા વડીલોના જીવનને સાર્થક કરવા અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાના શુભ સંકલ્પ સાથે "જીવન સંધ્યા સ્નેહ મિલન સમારોહ 2026" તથા શ્રી જગદીશચંદ્ર બારીયા (જગુ દાદા) ના પાંચમા લોક દરબારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભાદરવી પૂનમના સદાબહાર અને પવિત્ર દિવસે યોજાયેલો આ સમારોહ સૌના સાથ અને સહકારથી અતિ યાદગાર બની રહ્યો હતો.
આ સમારોહની મુખ્ય વિશેષતા એ રહી હતી કે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનોને ગાંધી ટોપી પહેરાવીને સામાજિક સન્માન આપવા સાથે બુકે અને પુષ્પગુચ્છથી ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સમારોહમાં હાજર રહેલા તમામ ભાઈઓ, બહેનો અને માતાઓનું ભેટ-સોગાદ આપીને વિશેષ સન્માન કરાયું હતું.
આ સમારોહમાં ભારતીય પરંપરા અને સાંસ્કૃતિક મૂલ્યોની ઝાંખી જોવા મળી હતી. કાર્યક્રમમાં જગદીશચંદ્ર બારીયા (જગુદાદા) અને ઉપસ્થિત તમામ માનવંત મહેમાનો અને વડીલો પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને આવ્યા હતા. આપણી દેશી સંસ્કૃતિ અને સામાજિક ગૌરવના પ્રતીકરૂપ દરેક મહેમાનને ગાંધી ટોપી પહેરાવીને ભાવભર્યું સામાજિક સન્માન કરવામાં આવ્યું હતું, જેણે સમગ્ર મંડપમાં એકતા અને સંસ્કારિતાનો માહોલ ઊભો કર્યો હતો.
કાર્યક્રમમાં વિશેષ પ્રવચન આપતાં શેઠ પી. ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરાના નિવૃત્ત પ્રોફેસર અને જાણીતા સાહિત્યકાર શ્રી વિનોદ ગાંધીએ પોતાના પ્રભાવશાળી વક્તવ્યથી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
શ્રી સુરેશભાઈ બારીયા (નિવૃત્ત શિક્ષક)
શ્રી રંગીતભાઈ (સામાજિક કાર્યકર)
ધનવંતરી મેડમ (આચાર્યશ્રી, કરણી પ્રાથમિક શાળા)
શ્રી જીતુભાઈ (પ્રાથમિક શિક્ષક)
આ તમામ વક્તાઓએ પોતાના વિચારો રજૂ કરી સમાજમાં વડીલોના યોગદાન અને જીવનના મૂલ્યો પર પ્રકાશ પાડ્યો હતો.
સમારોહ દરમિયાન જીવનને આરોગ્યપ્રદ અને આનંદમય બનાવવા માટે ખાસ સૂત્ર ચર્ચા રાખવામાં આવી હતી:
સ્વસ્થ રહો, મસ્ત રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો
આ સૂત્ર દ્વારા ઉપસ્થિત સૌ કોઈને શારીરિક અને માનસિક રીતે સદાય પ્રસન્ન રહેવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
આ સમારોહમાં વિશેષ આમંત્રિત મહેમાન તરીકે પી. પી. બારીયા, બાબુભાઈ (બોમ્બે) તેમજ ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકારોએ હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી. આ સાથે વિશેષ મહાનુભાવોમાં ભાવિકભાઈ, પ્રભાતભાઈ, ઇશ્વરભાઇ, નિકુંજભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવામાં સહકાર્યકરો શ્રી રાજુભાઈ જાદવ અને શ્રી રવાભાઈ ગઢવીનો મહત્વપૂર્ણ સાથ-સહકાર રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું કુશળ અને સુચારુ સંચાલન શ્રી એમ. કે. મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું.
સ્નેહ મિલન સમારોહના અંતે ઉપસ્થિત સૌ ભાઈઓ, બહેનો, વડીલો અને મહેમાનો માટે પ્રેમપૂર્વક શુદ્ધ અને પૌષ્ટિક ભોજન (મહાપ્રસાદ) નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભૌતિક અને આત્મિક તૃપ્તિ સાથે સૌએ એકસાથે બેસીને ભોજનનો આનંદ માણ્યો હતો. ભોજન સમારંભ દરમિયાન પણ "સ્વસ્થ રહો, મસ્ત રહો" ના સંદેશ મુજબ આરોગ્યપ્રદ અને સાત્વિક આહાર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
વાનપ્રસ્થાનમાં પ્રવેશેલા વડીલોના અમૂલ્ય આશીર્વાદ સાથે સંપન્ન થયેલો આ લોક દરબાર અને સ્નેહ મિલન સમારોહ ઉપસ્થિત સૌ કોઈના હૃદયમાં લાંબા સમય સુધી સ્મરણિય રહેશે.