07 November, 2025 10:04 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
તેઓશ્રીને વર્ષ ૨૦૧૯માં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો તે ગૌરવપૂર્ણ ક્ષણની તસવીર
ગુજરાતમાંથી ફરી એકવાર દુઃખદ સમાચાર (Joravarsinh Jadav Death) સામે આવ્યા છે. જાણીતા લોક સાહિત્યના સંશોધક તેમ જ વાર્તાકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું ૮૫ વર્ષની વયે નિધન થયું છે. જોરાવર સિંહના નિધનના સમાચાર સાંભળી સાહિત્ય તેમ જ કળાજગતમાં ઘેરો શોક ફરી વળ્યો છે.
તમને જણાવી દઈએ કે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ (Joravarsinh Jadav Death)નો જન્મ ૧૦ જાન્યુઆરી, ૧૯૪૦ના રોજ થયો હતો. તેઓના પિતાનું નામ દાનુભાઈ હલુંભાઈ અને માતાનું નામ પામબા હતું. તેઓ વ્યવસાયે ખેતીકામ કરતાં હતાં. જોરાવરસિંહ છ ભાઈ-બહેનોમાં તેઓના મા-બાપનું બીજું સંતાન હતા. તેમનું બાળપણ આકરુ નામના નાનકડા ગામમાં પસાર થયું હતું. તેઓનો ઉછેર સાવકી માતા ગંગાબાના હાથે થયો હતો. જોકે બાળવયથી જ તેઓને લોક સંસ્કૃતિનો ચસ્કો લાગ્યો હતો. તેઓએ પ્રાથમિક શિક્ષણ વતનમાં જ લીધા પછી ધોરણ ૫થી ૯ સુધીનું શિક્ષણ ધોળકામાં આવેલી શેઠ હસનઅલી હાઈસ્કૂલમાં મેળવ્યું હતું. ત્યારબાદ ઉચ્ચશિક્ષણ મ્સ્તે તેઓએ ગુજરાત વિદ્યાપીઠમાં એડમીશન લીધું હતું. લોકકળાના ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કરીને જોરાવર સિંહજીએ અમદાવાદમાં ઇતિહાસ અને સંસ્કૃતિ વિષય પર ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. તેઓએ લોક સંસ્કૃતિ, લોક સાહિત્ય અને લોક કળાઓ પર નેવુંથી પણ વધારે કૃતિઓનું સર્જન-સંપાદન આપ્યું છે. લોક કળાઓને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત લોક કલા ફાઉન્ડેશનની સ્થાપના પણ તેઓએ જ કરી હતી. તેઓએ તેમના વતન એવા ધંધુકાના આકરુ ગામમાં ગુજરાતની લોક કળા અને સંસ્કૃતિને ઉજાગર કરવા છબીકલા ધરાવતું મ્યુઝિયમ પણ તૈયાર કર્યું છે જે અનેક પેઢીઓને લોક સંસ્કૃતિ સાથે જોડી રાખશે.
તેઓના આ પ્રદાન બદલ તેઓશ્રીને વર્ષ ૨૦૧૯માં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ તો કહેતા હતા કે “આ સન્માન મારું નહીં, પરંતુ લોકજીવન અને લોકકલાનું સન્માન છે.” આમ, જોરાવર સિંહજીના અવસાન (Joravarsinh Jadav Death)થી ગુજરાતી લોકસાહિત્ય ક્ષેત્રમાં મોટી ખોટ પડી છે.
તમને જણાવી દઈએ કે જોરાવર સિંહ જાદવજીએ લોક જીવન, લોક સંસ્કૃતિ, લોક શિલ્પ અને લોકસંગીત તેમ જ લોક સાહિત્ય આધારિત અનેક પુસ્તકોની ભેટ આપી છે. જ્યારે તેમના સર્જનની વાત કરતા હોઈએ ત્યારે અચૂકપણે ‘લોકજીવનનાં મોતી’, ‘લોકસંસ્કૃતિની શોધ’, ‘નવા નાકે દિવાળી’, ‘ભાલપ્રદેશની લોકકથાઓ’ વગેરેને યાદ કરવી જ પડે. ‘મરદ કસુંબલ રંગ ચડે’,‘રાજપૂત કથાઓ’,`ભાતીગળ લોકકથાઓ’, ‘ગુજરાતની લોકસંસ્કૃતિ’, `લોકજીવનના મોભ’ વગેરે સર્જનોમાં લોકધબકાનું સંગીત અને જીવનનો મર્મ જોવા મળે છે.
પદ્મશ્રી જોરાવરસિંહ જાદવજી (Joravarsinh Jadav Death)ને મેઘાણી સુવર્ણચંદ્રક, કવિ ડાહ્યાભાઈ પટેલ સાહિત્યરત્ન સુવર્ણચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક જેવાં અનેક સન્માનો પણ મળી ચૂક્યાં હતાં.
તેઓના ચાહકોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. અનેક લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેઓને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આમ, લોકજીવન ને સાચવનાર શૂરવીર જોરાવરસિંહ જાદવ હવે આપણી વચ્ચે નથી રહ્યા.
પ્રાપ્ત માહિતી અનુસાર તેમની અંતિમયાત્રા તેમના અમદાવાદના નિવાસસ્થાનેથી સાંજે ૪.૦૦ વાગ્યે નીકળશે.