16 January, 2026 09:51 AM IST | Surat | Gujarati Mid-day Correspondent
અમદાવાદમાં સમડીને બચાવી લેવા માટે ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ઉતરાણનો તહેવાર સુરતના એક પરિવાર માટે જીવલેણ બન્યો હતો. બ્રિજ પરથી પસાર થતી વખતે આડે આવેલી પતંગની દોરી હટાવવા જતાં બાઇકરે કાબૂ ગુમાવ્યો હતો અને ટૂ-વ્હીલર ડિવાઇડર સાથે અથડાયું હતું. આ ટક્કરને પગલે બાઇકર તથા તેની પત્ની અને પુત્રી બ્રિજ પરથી નીચે પટકાઈને મૃત્યુ પામ્યાં હતાં.
સુરતના સૈયદપુરામાં રહેતા રેહાન શેખ તેમની પત્ની રેહાના અને પુત્રી આયેશા સાથે ૧૪ જાન્યુઆરીની સાંજે ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી બાઇક પર જઈ રહ્યા હતા. રેહાન શેખ બાઇક ચલાવી રહ્યા હતા ત્યારે અચાનક પતંગની દોરી આવી ગઈ હતી અને એને હટાવવાની કોશિશમાં રેહાન શેખે બાઇક પરથી કાબૂ ગુમાવ્યો હતો. બાઇક ડિવાઇડર સાથે જોરથી ટકરાઈ એમાં પતિ, પત્ની અને પુત્રી બ્રિજ પરથી નીચે પટકાયાં હતાં. પિતા અને પુત્રીનાં ઘટનાસ્થળે મૃત્યુ થયાં હતાં, જ્યારે પત્ની બ્રિજ નીચે પાર્ક થયેલી રિક્ષા પર પડી હતી અને ગંભીર ઈજાને કારણે તેનું હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
અમદાવાદમાં પતંગની દોરીથી ૧૭૦ લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત ટેરેસ પરથી ૨૪ લોકો પડી ગયા હતા જેમને સારવાર માટે સિવિલ હૉસ્પિટલ લવાયા હતા, એમાંથી બે દરદી વેન્ટિલેટર પર છે તો અન્ય બે દરદી ઑક્સિજન પર છે. ૪ દરદીઓનાં ઑપરેશન કરાયાં હતાં.
સુરત જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત વન વિભાગ દ્વારા પાંચ દિવસમાં કબૂતર, સમડી, કાગડો, પોપટ, બગલા, ઘુવડ, ચામાચીડિયું, વૉટર બર્ડ, કાબર, ટિટોડી, કોયલ, મોર, કૉકટેલ, ચકલી જેવી ૧૭ પ્રજાતિનાં ૧૮૪૧ પક્ષીઓને રેસ્ક્યુ કરાયાં હતાં જેમાં ૨૦૩ કબૂતરો સહિત કુલ ૨૧૧ પક્ષીઓનાં મોત થયાં હતાં.
વડોદરા જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત વન વિભાગે ઘાયલ થયેલાં કબૂતર, સમડી, ચામાચીડિયાં, પોપટ, કોંકણસાર, કોયલ, કાગડો સહિતનાં ૧૬૦ પક્ષીઓને રેસ્ક્યુ કર્યાં હતાં, જેમાંથી ૧૩૭ પક્ષીઓને સારવાર આપી બચાવી લેવામાં આવ્યાં હતાં; જ્યારે ૨૧ કબૂતર, ૧ ચામાચીડિયું અને ૧ સમડી સહિત ૨૩ પક્ષીઓનાં મોત થયાં હતાં.