સુરતના વોટરો નિરાશ

23 April, 2024 07:13 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

એક પરિવારે તો મતદાન માટે કૅનેડાની ટ્રિપ પાછી ઠેલી હતી

મતદાનની ફરજ બજાવવા કૅનેડાની ટ્રિપ પાછી ઠેલનાર પ્રણવ ઘારીવાલા.

દક્ષિણ ગુજરાતમાં આવેલા સુરતની લોકસભાની બેઠક બિનહરીફ થઈ છે ત્યારે આ વખતે પહેલી વાર એવું બનશે કે સુરતના મતદારોને લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા નહીં મળે. સુરતના મતદારોનો ‘મત’ જાણવાનો ‘મિડ-ડે’એ પ્રયાસ કર્યો ત્યારે રસપ્રદ બાબતો જાણવા મળી હતી. કોઈ ફૅમિલીએ મતદાન કરવા જવાનું હોવાથી વેકેશનની ફૅમિલી-ટ્રિપની ડેટ એક્સટેન્ડ કરાવી હતી તો પહેલી વાર મતદાન કરવા માગતા યંગ વોટર્સમાં નિરાશા છવાઈ છે. બીજી તરફ વડીલ મતદારો અને ગૃહિણીઓની મત આપવાની ઇચ્છા હતી, પણ મનની મનમાં રહી ગઈ એવું થયું છે. 
મતદાન હોવાથી ફૉરેનની ફૅમિલી ટૂરની ડેટ એક્સટેન્ડ કરી- પ્રણવ ઘારીવાલા

સુરતની ઘારી જગવિખ્યાત છે ત્યારે સુરતમાં ઘારીનો બિઝનેસ કરતા અને અડાજણ વિસ્તારમાં રહેતા પ્રણવ ઘારીવાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વોટ તો થવો જોઈએ. વોટિંગ કરવા જવા માટે એક્સાઇટમેન્ટ હતું. હું અને મારી ફૅમિલી આઉટ ઑફ ઇન્ડિયા જવાના હતા. વેકેશનમાં ફૅમિલી સાથે કૅનેડા જવાના હતા, પણ મતદાન કરવાનું હોવાથી અને મતદાન કરવાનો મોકો અમે ચૂકતા નથી અને મતદાન અવશ્ય કરીએ છીએ એટલે અમે અમારી ટિકિટ મતદાનની તારીખ પછીની એક્સટેન્ડ કરાવી હતી. આમ અમે પાંચ મેએ જવાના હતા, પરંતુ મતદાન સાતમી તારીખે હોવાથી અમે તારીખ લંબાવી હતી, પણ હવે શું, વોટ કરવા જ નહીં મળે.’

પહેલી વાર મતદાન કરવા માટે અમે બહુ ઉત્સાહી હતાં : આર્ચી પટેલ 
ઊધનામાં રહેતી અને એન્જિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ કરતી આર્ચી પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વોટિંગ કરવાનો અમારો ફર્સ્ટ ટાઇમનો ચાન્સ અમે ગુમાવી દીધો. જે કંઈ થયું એ બરાબર છે, પણ અમારો વોટિંગ કરવાનો ચાન્સ ​મિસ થઈ ગયો, કેમ કે અમે પહેલી વાર મતદાન કરવાનાં હતાં એટલે બહુ ઉત્સાહી હતાં. મતદાન કરવા માટે એક્સાઇટમેન્ટ હતું. ઇન્ફૅક્ટ કૉલેજની રિસેસમાં અમારા ગ્રુપમાં વોટિંગની વાત નીકળી હતી, પણ અમે સાંભળ્યું કે હવે વોટિંગ કરવા નહ‌ીં મળે એટલે અમે બધાં નર્વસ થઈ ગયાં.’ 

મતદાન કરવા ન મળે તો ખરાબ લાગે : જયશ્રી સોની

ગૃહિણી જયશ્રી સોનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું તો દરેક ચૂંટણીમાં મતદાન કરવા જાઉં છું, પણ મતદાન કરવા ન મળે તો ખરાબ લાગે. આ થયું એનાથી તો આપણે કોઈને વોટ ન આપી શકીએ. બાકી મતદાનના દિવસે સવારે વહેલા જઈને વોટિંગ કરી આવીએ જેથી લાઇનમાં કે તડકામાં ઊભા રહેવું ન પડે અને મતદાન કરીને આવ્યાં પછી ઘરનાં કામ પણ કરી શકીએ. પણ હવે કન્ફ્યુઝ થઈ ગયા છીએ. મત આપવાની ઇચ્છા હતી અને મત તો આપવો જ જોઈએ. મતદાન કરવું એ આપણી ફરજ છે.’  

કોઈ વાંધો નહીં, બીજામાં મતદાન કરવાનો ચાન્સ તો મળે છેને : દેવેશ ગોહિલ 
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના નિવૃત્ત કાર્યપાલક ઇજનેર દેવેશ ગોહિલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લોકશાહી દેશ છે એટલે ચૂંટણીપંચ જે ચુકાદો આપે એ માન્ય હોય. સુરત લોકસભાની બેઠક બિનહરીફ થઈ છે એટલે આ વખતે લોકસભાની ચૂંટણીમાં વોટિંગ કરવાનું નહીં મળે એ વાત સાચી, પરંતુ આ સિવાય પણ ચૂંટણીઓ થાય છે એમાં વોટિંગ કરવાનો ચાન્સ મળે છેને. વિધાનસભાની ચૂંટણી, સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી તેમ જ અન્ય ચૂંટણીમાં પણ વોટિંગ કરવાનો ચાન્સ મળે છે એટલે કોઈ વાંધો નહીં.’

સુરતીઓને મતદાનનો લહાવો મળશે નહીં : અનુજ ચાંદીવાલા
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને સી.કે. પીઠાવાલા એન્જિનિયરિંગ કૉલેજના અસિસ્ટન્ટ પ્રોફેસર અનુજ ચાંદીવાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારતીય નાગરિક તરીકે મતદાન કરવું એ પર્વ છે, પણ સુરતમાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા નહીં મળે. ઘણા યુવાનો કે જેઓને ફર્સ્ટ ટાઇમ વોટિંગ કરવાનો મોકો મળવાનો હતો એ હવે નહીં મળે. લોકશાહી જળવાવી જોઈએ અને મતદાન થવું જોઈએ. હવે સુરતીઓને મતદાન કરવાનો લહાવો મળશે નહીં. અમારામાં એક ઉત્સાહ હતો કે જેમાં અમે અમારો વોટ કોઈને આપી શકીએ, પણ આ વખતે મતદાનનો લહાવો જતો રહ્યો. હું માનું છું કે આવું ન થવું જોઈએ. હવે લોકસભાની ચૂંટણી પાંચ વર્ષ પછી આવશે.

ahmedabad surat Lok Sabha Election 2024 congress bharatiya janata party