ગૌવંશ માટેનો અનોખો યજ્ઞ

07 June, 2026 09:06 AM IST  |  Kutch | Shailesh Nayak

કચ્છમાં ચાલી રહ્યો છે વેદલક્ષણા ગો યાગ : લમ્પી રોગચાળામાં મૃત્યુ પામેલી ગાયોના આત્માની શાંતિ માટે અને લોકો ગાયોનું મહત્ત્વ સમજે એને લઈને કચ્છમાં થઈ રહ્યો છે યજ્ઞ

યજ્ઞમાં બેઠેલાં યુગલો. યજ્ઞમંડપ ફરતે ગાયો બાંધી છે જેની પ્રદક્ષિણા લોકો કરી રહ્યા છે.

કચ્છમાં ચાલી રહ્યો છે વેદલક્ષણા ગો યાગ : લમ્પી રોગચાળામાં મૃત્યુ પામેલી ગાયોના આત્માની શાંતિ માટે અને લોકો ગાયોનું મહત્ત્વ સમજે એને લઈને કચ્છમાં થઈ રહ્યો છે યજ્ઞ : નવ કુંડમાં આહુતી અર્પી રહ્યાં છે ૧૮ યુગલો: એક પણ ખીલી વગર બન્યો છે મંડપ : યજ્ઞમંડપમાં લોકો કરી રહ્યા છે ગાયોની પરિક્રમા

માત્ર ગૌવંશને કેન્દ્રમાં રાખીને કચ્છમાં સંભવિત રીતે પહેલી વાર વેદલક્ષણા ગો યાગનું આયોજન કરવામાં આવ્યું છે. લમ્પી રોગચાળામાં મૃત્યુ પામેલી ગાયોના આત્માની શાંતિ માટે અને લોકો ગાયોનું મહત્ત્વ સમજે એને લઈને કચ્છમાં યજ્ઞ થઈ રહ્યો છે. આ યજ્ઞ એક રીતે વિશેષ એટલા માટે બની રહ્યો છે કેમ કે અહીં જે મંડપ બનાવ્યો છે એમાં એક પણ ખીલીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. એટલું જ નહીં, યજ્ઞમાં બેઠેલાં યુગલો પણ ચોક્કસ નિયમો પાળી રહ્યાં છે. ગાય આધારિત ખેતીથી ઉગાડેલાં ધાન્યનો તેમ જ ગાયના દૂધમાંથી બનેલાં દહીં, છાશ અને ઘીનો ભોજનમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ગાયના મહિમાને ઉજાગર કરવામાં આવી રહ્યો છે.  

ગો સેવા ગતિવિધિના સૌરાષ્ટ્ર 
પ્રાંતના સંયોજક રામજી વેલાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગો સેવા ગતિવિધિ, કચ્છના માર્ગદર્શનમાં ગોરસિયા સેવા ફાઉન્ડેશન અને માધાપરના ગિરધર પિંડોરિયા પરિવાર દ્વારા કેરાથી મુંદ્રા જતા નીરણ કેન્દ્ર ખાતે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી જૂનથી આ યજ્ઞ શરૂ થયો છે જે સોમવાર સુધી ચાલશે. આ યજ્ઞનો હેતુ ગૌવંશની સુખાકારી, સંરક્ષણ અને સંવર્ધન સાથે પ્રકૃતિની રક્ષા અને પર્યાવરણની શુદ્ધિનો છે. એની સાથે-સાથે લમ્પી રોગમાં મૃત્યુ પામેલી અસંખ્ય ગાયોના આત્માના કલ્યાણ અને શાંતિ માટે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. વેદલક્ષણા ગો યાગમાં ૯ હવનકુંડ છે, જ્યારે એક મોટો હવનકુંડ છે. આ હવનકુંડ પાસે બેસીને ૧૮ યુગલો યજ્ઞમાં આહુતી અર્પી રહ્યાં છે. યજ્ઞમાં બેઠેલાં આ યુગલોની દેહશુદ્ધિ કરાવી ચોક્કસ નિયમોના પાલન સાથે યજ્ઞમાં બેસાડ્યાં છે. શાસ્ત્રી જયદીપ વ્યાસ યજ્ઞવિધિ કરાવે છે. ૭ દિવસ બ્રાહ્મણો દ્વારા નિરંતર ગોસૂક્ત અને ચતુર્વેદ પારાયણના પાઠ થઈ રહ્યા છે.’ 

પાળવામાં આવી રહ્યા છે નિયમો   
યજ્ઞમાં બેઠેલા કચ્છનાં યુગલો ચોક્કસ નિયમ પાળી રહ્યાં છે. ૭ દિવસ ચાલનારા આ યજ્ઞમાં બેસતાં પહેલાં યુગલોની દેહશુદ્ધિ કરાવી હતી. યુગલો બ્રહ્મચર્યનું પાલન કરી રહ્યાં છે. આ દિવસો દરમ્યાન વાળ કે નખ નહીં કાપવાના, રાત્રે જમીન પર સૂવાનું, સવારથી સાંજ સુધી ફળાહાર કરવાનો, ચા પણ નહીં પીવાની અને સાંજે ભોજન કરવા સહિતના નિયમોનું પાલન યજ્ઞમાં બેઠેલાં યુગલો કરી રહ્યાં છે. 

વાંસ, ગૌમૂત્ર અને ગોબરથી બનાવ્યો યજ્ઞમંડપ    
ગાયો માટે ચાલી રહેલા યજ્ઞ માટે બાંધવામાં આવેલો મંડપ વિશેષ છે. શાસ્ત્રોક્ત પદ્ધતિને અનુસરીને વાંસ તથા લાકડાંમાંથી યજ્ઞમંડપ બનાવ્યો છે જેમાં એક પણ ખીલી સહિત લોખંડનો ક્યાંય ઉપયોગ કરવામાં આવ્યો નથી. ગૌમૂત્ર અને ગોબરથી યજ્ઞમંડપ બનાવ્યો છે. જમીન પર ગોબરથી લીંપણ કર્યું છે. ૧૦૦ ફુટની લંબાઈ બાય ૧૦૦ ફુટની પહોળાઈ અને ૫૦ ફુટ ઊંચો યજ્ઞમંડપ બાંધ્યો છે. આ મંડપમાં વાંસ અને લાકડાંને બાંધવા માટે નારિયેળનાં છોતરાંમાંથી બનેલી સૂતળીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

મંડપમાં ગૌવંશની પ્રદક્ષિણા 
મંડપમાં જ્યાં યજ્ઞ થઈ રહ્યો છે એની ફરતે ૨૧ ગાય રાખવામાં આવી છે. અહીં ધાર્મિકજનો દર્શન માટે આવી રહ્યા છે. તેઓ યજ્ઞશાળા ફરતે ગૌવંશની પ્રદક્ષિણા કરી રહ્યા છે. આ ઉપરાંત આ કૅમ્પસમાં લખપત, અબડાસા અને બન્ની વિસ્તારમાંથી સ્થળાંતર કરીને આવેલી ૪૦૦૦ જેટલી ગાયને રાખવામાં આવી છે જેનાં દર્શન પણ લોકો કરી રહ્યા છે. 

ગાય આધારિત ભોજન 
યજ્ઞમાં આવતા લોકોને ગૌવ્રતી ભોજન કરાવવામાં આવે છે. એમાં ગાયના દૂધનો અને એમાંથી બનેલાં દહીં, છાશ, ઘીનો ઉપયોગ થઈ રહ્યો છે. ગાય આધારિત ખેતીથી પકવેલાં અનાજનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી નવી પેઢી સહિતના લોકો ગાયનું મહત્ત્વ સમજે.

gujarat news gujarat kutch wildlife shailesh nayak exclusive culture news