10 September, 2026 11:39 AM IST | Kutch | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
Kutch News: પોતાનાં સંતાનો માટે મા-બાપ કંઇ પણ કરી છૂટવા તૈયાર થઈ જતાં હોય છે. આપણે ત્યાં કહે છે કે છોરું કદાચ કછોરું થાય પણ માવતર કમાવતર નથી થતાં. કચ્છના મુંદ્રાની આ કહાની પણ તમારી આંખોમાં પાણી લાવી દેશે એવી છે. આમ તો આ કપલ મૂળ બિહારનું. પણ તેઓ કચ્છના મુંદ્રામાં રહેતાં હતા. અચાનકથી તેમના સંતાનો ખોવાઈ જાય છે. લગભગ બે મહિના થાય છે તોય તેમની કોઈ ભાળ મળતી નથી. સ્થાનિક પોલીસ પણ મહેનત કરે છે તોય આ સંતાનોનો કોઈ પત્તો લાગતો નથી. આખરે માતા-પિતાએ હિંમત હાર્યા વગર પોતે જ બાળકોને ગમે તેમ કરીને ખોળી કાઢવાનો મનમાં દૃઢ સંકલ્પ કર્યો.
આ કપલને શંકા ગઈ હતી કે તેમના બાળકો માનવતસ્કરીનો ભોગ (Kutch News) બન્યા છે. ભીખ માંગતી ગેંગ પર શંકા જતાં આ કપલે રીતસરનો પોતાનો વ્યવસાય પડતો મૂકીને ભિખારીનો વેશ ધારણ કર્યો, અને તેઓ પાંચ રાજ્યોમાં ભિખારી થઈને રખડ્યાં. અને આખરે તેઓએ પોતાના બંને સંતાનોને સહીસલામત ખોળી પણ કાઢ્યાં.
મૂળ બિહારનું આ ફૅમિલી પેટનો ખાડો પૂરવા કચ્છ (Kutch News)ના મુંદ્રા ખાતે રહેતું હતું. દંપતીને ૧૪ વર્ષનો પુત્ર રાહુલ અને ૧૧ વર્ષનો પુત્ર અર્પિત હતો. એક દિવસ બંને ભાઈઓ ઘર પાસે રમતા હતા અને અચાનક ગુમ થઈ ગયા. આ દંપતીએ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી પરંતુ કોઈ ભાળ ન મળી. આખરે પોલીસ મથકે જઈને તેઓએ પોતાના સંતાનોના લાપતા હોવાની ફરિયાદ નોંધાવી. પોલીસના પણ સતત પ્રયાસો હોવા છતાં કોઈ સફળતા મળી ન હતી. આખરે આ દંપતીને શંકા ગઈ કે તેમના બાળકોનું અપહરણ કરીને તેમને ભીખ માંગતી ગેંગને સોંપી દેવાયા છે. પછી તો માતા-પિતાએ ભિખારીઓ જેવા કપડાં પહેરીને ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં રાત-દિવસ રખડપટ્ટી કરી. ભિખારીઓના ટોળાંમાં જઈને તેઓ પોતાના બાળકોના ચહેરા શોધતા રહ્યા.
શોધખોળ દરમિયાન તેમને માહિતી મળી કે તેમનો મોટો પુત્ર રાહુલ બિહારના ભાગલપુરમાં ભીખ માગતો જોવા મળ્યો છે. ત્યારે આ કપલ તાત્કાલિક ભાગલપુર દોડી ગયું. તેમણે રાહુલને ભીખ માગતો જોઈ લીધો. પણ માતા-પિતાને ઓળખતાં જ ગભરાઈને રાહુલ ત્યાંથી નાસી ગયો. પછી તો છેક હાથમાં આવેલો પુત્ર પાછો છટકી જતાં મા-બાપ ઉદાસ તો થયા પણ તેઓએ હિંમત તો ન જ હારી. અને શોધખોળ જારી રાખી. આખરે તેમનો રાહુલ રાજસ્થાનના બિકાનેરમાંથી મળી ગયો. મોટો દીકરો મળી ગયા પછી તેઓએ પોતાના નાનકાની શોધ આદરી. પ્રયાસ કરતાં રહી છેવટે રાહુલ મળ્યાના બરાબર ૧૫ દિવસ બાદ તેમને તેમનો અર્પિત પશ્ચિમ બંગાળમાંથી મળી આવ્યો હતો.
આખરે આ દંપતી (Kutch News)ને પોતાના બંને દીકરા સહીસલામત મળી જતાં રાહત થઈ. ભિખારી થઈને પાંચ રાજ્યોમાં રખડનાર આ દંપતીએ તો સૌના આંખમાં પાણી લાવી દીધું છે.