‘જીવી લીધું છે, હવે વધુ જીવવા નથી માગતો, છોકરાઓને હેરાન કરવા નહીં’

24 September, 2021 11:51 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ભાષાપંડિત, અધ્યાપક, સાહિત્યકાર યોગેન્દ્ર વ્યાસે સુસાઇડ-નોટમાં બીમારીનું કારણ જણાવ્યું : કૅન્સરગ્રસ્ત પત્ની સાથે કરેલા આપઘાતથી સમગ્ર સાહિત્ય અને શિક્ષણ જગત શોકગ્રસ્ત

યોગેન્દ્રભાઈ વ્યાસ

ગુજરાતી ભાષાના ખ્યાતનામ ભાષાપંડિત, અધ્યાપક અને સાહિત્યકાર યોગેન્દ્રભાઈ વ્યાસે બીમારીથી કંટાળીને તેમનાં પત્ની અંજનાબહેન સાથે મળીને ગઈ કાલે અમદાવાદમાં તેમના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં સાહિત્ય અને શિક્ષણ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અમદાવાદના સૅટેલાઇટ પોલીસ સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એમ.જી. લિંબોલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘યોગેન્દ્રભાઈ વ્યાસ અને તેમનાં પત્ની અંજનાબહેને સરસ્વતી નગરમાં તેમના બંધ મકાનમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ગઈ કાલે સવારે ૬થી ૭ વાગ્યા વચ્ચેની આ ઘટના છે. પાડોશીઓએ ઘરની લાઇટ ચાલુ જોતાં યોગેન્દ્રભાઈના દીકરાને ફોન કર્યો હતો અને ત્યાર બાદ આ ઘટનાની જાણ થઈ હતી. યોગેન્દ્રભાઈના મૃતદેહ પાસેથી સુસાઇડ-નોટ મળી આવી છે, જેમાં એમ જણાવ્યું છે કે મેં બીમારીના લીધે આપઘાત કર્યો છે. જીવી લીધું છે, હવે વધુ જીવવા માગતો નથી.
તેમણે પોલીસને ઉદ્દેશીને લખ્યું હતું કે છોકરાઓને હેરાન કરવા નહીં.
પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે વધુમાં કહ્યું હતું કે ‘૮૦ વર્ષના યોગેન્દ્રભાઈનો દીકરો ડૉક્ટર છે. તેમની પાસેથી મળેલી માહિતી પ્રમાણે યોગેન્દ્રભાઈએ બે મહિના પહેલાં પથરીનું ઑપરેશન કરાવ્યું હતું. જ્યારે ૭૪ વર્ષનાં અંજનાબહેનને કૅન્સરની અસર હતી. બે મહિનાથી તેઓ બીમાર હતાં અને ડિપ્રેશનમાં રહેતાં હતાં.’
યોગેન્દ્રભાઈ ભાષા વિજ્ઞાનના વિદ્વાન અધ્યાપક હતા. તેમણે સુરેન્દ્રનગર તેમ જ અમદાવાદની કૉલેજોમાં પ્રાધ્યાપક તરીકે કામ કર્યું હતું અને ત્યાર બાદ ગુજરાત યુનિવર્સિટીમાં તેઓ પ્રોફેસર હતા. તેમણે સાહિત્ય ક્ષેત્રે પણ ખેડાણ કર્યું હતું અને સાહિત્ય અને ભાષા અંગેનાં પુસ્તકો લખ્યાં હતાં.

gujarat news gujarat shailesh nayak