15 May, 2025 08:39 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
આઇસક્રીમના કોનમાંથી નીકળેલી ગરોળીની પૂંછડી અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમે હૅવમોર આઇસક્રીમની ફૅક્ટરીમાં તપાસ કરી હતી તેની તસવીર
ઉનાળામાં આઇસક્રીમનો ઉપાડ વધુ રહે છે અને લોકો ઠંડક મેળવવા માટે આઇસક્રીમ વધુ ખાતા હોય છે ત્યારે આ સમયમાં આઇસક્રીમ ખાતાં પહેલાં ચેતી જવા જેવો કિસ્સો ગઈ કાલે અમદાવાદમાં બન્યો હતો. એમાં એક ગ્રાહકે ખરીદેલા હૅવમોર આઇસક્રીમના કોનમાંથી ગરોળીની પૂંછડી નીકળી હતી. આ ગંભીર ઘટનાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના હેલ્થ વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટે હૅવમોર આઇસક્રીમની ફૅક્ટરીમાં ચેકિંગ કરીને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, જ્યારે આઇસક્રીમનો કોન જ્યાંથી ખરીદવામાં આવ્યો હતો એ દુકાનને સીલ કરવામાં આવી છે.
મણિનગરમાં આવેલી મહાલક્ષ્મી કૉર્નરમાંથી ગ્રાહકે હૅવમોર આઇસક્રીમ કંપનીનો હૅપીકોન ખરીદ્યો હતો, પરંતુ એમાંથી ગરોળીની પૂંછડી નીકળી હતી એટલે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી. કૉર્પોરેશનના હેલ્થ વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટે મણિનગરમાં આવેલી મહાલક્ષ્મી કૉર્નર દુકાનનો માલિક ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઍક્ટ અન્વયે પરવાનો ધરાવતો ન હોવાથી આ દુકાનને સીલ કરી હતી. આ ઉપરાંત નરોડા ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનમાં આવેલી હૅવમોર આઇસક્રીમ પ્રાઇવેટ લિમિટેડમાં તપાસ કરીને હૅપીકોન-લો ફૅટ આઇસક્રીમનો નમૂનો લઈને તપાસ માટે મોકલી આપ્યો હતો તથા માર્કેટમાં રહેલો આ બૅચનો માલ જાહેર આરોગ્યના હિતમાં પાછો લેવાની નોટિસ આપીને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.