ગુજરાત BJPમાં રાજકીય હીટવેવ

24 March, 2024 10:40 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગુજરાતમાં સંભવત : પહેલી વાર એવી ઘટના બની જેમાં BJPએ જાહેર કરેલા લોકસભાના બબ્બે ઉમેદવારો ચૂંટણીમાંથી એક જ દિવસે ખસી ગયા : વડોદરાનાં રંજન ભટ્ટને બદનામી નડી, સાબરકાંઠાના ભીખાજી ઠાકોરને અટક નડી

રંજન ભટ્ટ, ભીખાજી ઠાકોર

ગુજરાતમાં ધીરે-ધીરે ઉનાળો આકરો થઈ રહ્યો છે અને હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે એવા સમયે લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ ગુજરાત BJPમાં રાજકીય હીટવેવનો અનુભવ ગઈ કાલે થયો હતો. BJPએ ગુજરાતના ડિક્લેર કરેલા લોકસભાના બબ્બે ઉમેદવારો ચૂંટણીમાંથી એક જ દિવસે ખસી ગયા હોવાની ઘટના ગુજરાતમાં સંભવતઃ પહેલી વાર બની છે. વડોદરાના લોકસભા બેઠકનાં BJPનાં ઉમેદવાર રંજન ભટ્ટ તેમ જ સાબરકાંઠા લોકસભા બેઠકના BJPના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ગઈ કાલે સવારે સોશ્યલ મીડિયામાં અંગત કારણોસર ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતી પોસ્ટ વાઇરલ કરીને ચૂંટણી-મેદાન છોડ્યું હતું. વડોદરાનાં રંજન ભટ્ટને બદનામી નડી હોવાનું અને સાબરકાંઠાના ભીખાજી ઠાકોરને અટક નડી હોવાનું કારણ સામે આવી રહ્યું છે. 

બદનામી થઈ રહી છે એના કરતાં બહેતર છે કે મારે ઉમેદવારી પાછી ખેંચી લેવી જોઈએ : રંજન ભટ્ટ

વડોદરાનાં સંસદસભ્ય તરીકે બે ટર્મ કાર્યરત રહ્યા બાદ આ બેઠક પરથી જેમને ત્રીજી વખત BJPએ ઉમેદવાર બનાવ્યાં તે રંજન ભટ્ટે પોતે ચૂંટણી લડવામાંથી કેમ ખસી ગયાં એ વિશે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘છેલ્લા ૧૦–૧૨ દિવસથી વડોદરામાં જે રીતની બદનામી થઈ રહી છે એના કરતાં બહેતર છે કે મારે ઉમેદવારી પાછી ખેંચી લેવી જોઈએ અને મેં મારી ઉમેદવારી પાછી ખેંચી છે. મને વડા પ્રધાને વડોદરાની સેવા કરવાની તક આપી છે અને મેં સમર્પિતતાથી ૧૦ વર્ષ વડોદરાની સેવા કરી છે. વાંકું કંઈ પડ્યું નથી, પણ જે કંઈ ચાલી રહ્યું હતું એ વડોદરાના લોકોને ખબર છે. સદંતર જૂઠ ચલાવવામાં આવી રહ્યું છે, બધાને ખબર છે. એમાં મને એમ થયું કે જ્યાં સુધી હું ચૂંટણી લડું ત્યાં સુધી આ જ આવ્યા કરે એના કરતાં બહેતર છે નથી લડવું. મારી પાર્ટીએ મને કહ્યું નથી કે તમે ન લડો. મેં મનથી વિચાર્યું કે મારે નથી લડવું.’

બીજું શું કહ્યું? શું આક્ષેપ કર્યા રંજન ભટ્ટે?

‘જે રીતે આક્ષેપો થયા... ઑસ્ટ્રેલિયામાં દીકરાનો મૉલ... પણ નાની શૉપ સુધ્ધાં નથી. તો આવા ખોટા આક્ષેપ કરે અને ખોટું-ખોટું ચલાવવું એના કરતાં બહેતર છે કે હું ટિકિટ સમર્પિત કરી દઉં, મારી પોતાની એક ઇજ્જત છે.’

‘વડોદરા એવી સીટ છે કે કોઈ પણ કાર્યકર્તાને અહીંથી ઉમેદવારી કરાવો તો વડોદરાના કાર્યકર્તા અને લોકો મોદીસાહેબને પ્રેમ કરવાવાળા હોવાથી તે હાઇએસ્ટ લીડથી આ સીટ જીતશે.’
‘વિરોધ કરવાવાળી વ્યક્તિ એવા લેવલની વ્યક્તિ નહોતી કે જેમનું વેઇટેજ હોય. પોતાની જાતને સામાજિક ગણાવવી અને તેમનું ઍનૅલિસિસ કરો તો વડોદરા માટે તેમનું યોગદાન શું? ’ 

આ નિર્ણય મારો પોતાનો છે, મને પાર્ટી તરફથી કશી જાણ કરવામાં નથી આવી : ભીખાજી ઠાકોર 

ચૂંટણી લડવામાંથી ખસી જનારા સાબરકાંઠા લોકસભા બેઠકના BJPના ઉમેદવાર ભીખાજી ઠાકોરે મીડિયાને કહ્યું હતું કે ‘અંગત કારણોસર ચૂંટણી લડવી નથી. સામાજિક ઘણાંબધાં કામ છે એટલે અત્યારે અનિચ્છા દર્શાવી છે. આગળ જોયું જશે. BJPનો કાર્યકર્તા છું અને BJP સાથે રહીશ.’

ઓચિંતું આ જાહેર કરવાનું કારણ શું એવા પ્રશ્નના ઉત્તરમાં ભીખાજી ઠાકોરે કહ્યું હતું કે ‘એ મને વિશેષ ખબર નથી; પરંતુ હું BJPનો, સંઘનો, પરિવારનો કાર્યકર્તા છું અને રાષ્ટ્ર માટે કામ કરતી પાર્ટીનો કાર્યકર્તા છું. ઘણીબધી જવાબદારી મારી પાસે છે. હું ત્રણ-ચાર સંસ્થામાં છું અને સંગઠન મહામંત્રી પણ છું એટલે જવાબદારી વહન કરતો રહીશ. આ મારો પોતાનો નિર્ણય છે. મને પાર્ટી તરફથી કોઈ જાણ કરવામાં નથી આવી.’  

ચૂંટણીમાંથી BJPના બે ઉમેદવારો ખસી જવાનો ઘટનાક્રમ શું રહ્યો?

 

Lok Sabha Election 2024 Lok Sabha gujarat politics indian politics bharatiya janata party Gujarat BJP gujarat gujarat news shailesh nayak vadodara