ગુજરાતના ભાજપના ઉમેદવારે કર્યો અનોખો પ્રચાર, આ ગેમની તર્જ પર બનાવ્યો વીડિયો

25 April, 2024 12:06 PM IST  |  Valsad | Gujarati Mid-day Online Correspondent

ધવલ પટેલનો પ્રચારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સુપર મારીયો ગેમમાં ધવલ પટેલના મોર્ફ કરેલ ફોટો સાથે વીડિયો બનાવવામાં આવ્યો છે

વાયરલ વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનશોટ

લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ વાગી ગયું છે. પહેલા ચરણનું મતદાન પણ થઈ ગયું છે, ત્યારે ચૂંટણીમાં મતદારોને રિઝવવા ઉમેદવારો જુદો-જુદો કીમિયો અજમાવી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં ભાજપ (Valsad BJP candidate Dhaval Patel) આ વખતે 26 બેઠકો પર હેટ્રિક કરવા ઈચ્છે છે. ગુજરાતમાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે મતદારોને આકર્ષવા માટે ભાજપના ઉમેદવારો અવનવી તરકીબો અપનાવા માંડ્યાં છે.

ચૂંટણીમાં ક્યારેય ન જોયેલો કીમિયો વલસાડ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે (Valsad BJP candidate Dhaval Patel) અજમાવ્યો છે. તાજેતરમાં ધવલ પટેલનો પ્રચારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સુપર મારીયો ગેમમાં ધવલ પટેલના મોર્ફ કરેલ ફોટો સાથે વીડિયો બનાવવામાં આવ્યો છે. વીડિયોમાં એવું પણ બતાવવામાં આવ્યું છે કે વિવિધ મુદ્દાઓ પર ધવલ જીત મેળવી આગળ વધી રહ્યા છે.

વીડિયો ગેમ સુપર મારીયોની તર્જ પર વીડિયો

ભાજપના ઉમેદવાર ધવલ પટેલે (Valsad BJP candidate Dhaval Patel) પ્રચાર માટે સુપર મારીયો ગેમની તર્જ પર વીડિયો બનાવીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. આ વીડિયોમાં ધવલને મારીયોના કેરેક્ટરમાં બતાવવામાં આવ્યા છે. સુપર મારીયો ગેમમાં ધવલ પટેલના મોર્ફ કરેલ ફોટો સાથે આ વીડિયો બનાવવામાં આવ્યો છે, જેમાં ધવલને મારીયોની જેમ જ કોઇન્સ ભેગા કરતાં કમળનું ફૂલ મેળવીને કદ વધારતા બતાવવામાં આવ્યા છે. તેઓ બેરોજગારી, નિરક્ષરતા, તુષ્ટિકરણ અને ભ્રષ્ટાચાર જેવા ઘણા મુદ્દાઓ જીત મેળવી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે.

મતદારોને આપ્યું આ વચન

આ વીડિયોમાં ધવલ પટેલે વલસાડના વિકાસનો વિકાસ કરવાની અને નિરક્ષરતાને દૂર કરવાની વાત પણ કરી છે. ઉપરાંત તેમણે આદિવાસી સમાજને તેમના હક અને અધિકારની ગેરેંટી પણ આપી છે. વીડિયો દ્વારા ધવલ પટેલ વિવિધ મુદ્દાઓ પર જીત મેળવીને યુવા મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વલસાડ બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરતી વખતે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ વલસાડની બેઠક પર પાંચ લાખ કરતાં વધુ વોટની લીડથી જીતશે.

ચૂંટણી પહેલાં ગાયબ થઈ ગયા ગુજરાત કૉંગ્રેસના આ ઉમેદવાર

લોકસભાની ચૂંટણીમાં સુરતની લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા બાદ સુરત કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણી ભૂગર્ભમાં ઊતરી ગયા છે અને કૉંગ્રેસને પણ શોધ્યા જડતા નથી. નીલેશ કુંભાણી સામે કૉંગ્રેસમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. એટલું જ નહીં, કૉંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય પ્રતાપ દુધાતે ચીમકી આપી છે કે નીલેશ કુંભાણીએ પ્રજાને પીઠમાં ખંજર માર્યું છે, કૉંગ્રેસથી ગદ્દારી કરવાનું પરિણામ શું આવે એ બતાવીશ.

સુરતમાં કૉંગ્રેસના લોકસભાના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફૉર્મ રદ થયા બાદ બાકીના ઉમેદવારોએ તેમનાં ફૉર્મ પરત ખેંચી લેતાં સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ હતી અને BJPએ આ બેઠક જીતી લીધી છે, જેના પગલે ભારે ઊહાપોહ થયો છે અને વિવાદ ઊભો થતાં કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણી ગાયબ થઈ ગયા છે.

Lok Sabha Election 2024 valsad bharatiya janata party gujarat gujarat news social media viral videos