સુરતમાં નીલેશ કુંભાણીનાં પત્ની ચાર દિવસ પછી ઘરે પાછાં ફર્યાં

26 April, 2024 09:09 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

બોલ્યાં કે ફૉર્મ રદ થયું છે એની કાર્યવાહી માટે નીલેશ અમદાવાદ ગયા છે : ઘરે પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો : શહેરમાં વૉન્ટેડનાં પોસ્ટર લાગ્યાં

સુરતમાં નીલેશ કુંભાણીના વિરોધમાં પોસ્ટર લાગ્યાં છે.

લોકસભાની ચૂંટણીમાં જેમના કારણે ભારતીય જનતા પાર્ટી (BJP)ને સુરત લોકસભાની બેઠક જીતવાની તક ઊભી થઈ અને BJPના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા તે કૉન્ગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણી અમદાવાદ ગયા હોવાનો દાવો તેમનાં પત્ની નીતા કુંભાણીએ મીડિયા સમક્ષ ગઈ કાલે કર્યો હતો. બીજી તરફ સુરતમાં સુરક્ષાનાં કારણસર નીલેશ કુંભાણીના ઘરે પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો છે એટલું જ નહીં, શહેરમાં તેમના વિરુદ્ધમાં વૉન્ટેડનાં પોસ્ટર લાગ્યાં છે. 

સુરત લોકસભા બેઠકના કૉન્ગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ઉમેદવારીપત્ર રદ થયા પછી વિવાદ ઊઠ્યો છે એ સમવાનું નામ નથી લઈ રહ્યો. જે રીતે નીલેશ કુંભાણી ભૂગર્ભમાં ઊતરી ગયા છે અને જાહેરમાં આવવાનું ટાળી રહ્યા છે ત્યારે વિવાદોની વચ્ચે ચાર દિવસ બાદ તેમનાં પત્ની ગઈ કાલે સુરતસ્થિત તેમના ઘરે પરત ફર્યાં હતાં. નીતા કુંભાણીએ મીડિયા સાથે વાત કરતાં પોતાના પતિ સામેના આક્ષેપોને નકાર્યા હતા અને સામે આક્ષેપ કર્યા હતા કે ‘તે લોકો તેમના રાજકીય રોટલા શેકતા હોય છે, પણ જેના ઘરનું માણસ નથી, એના પોતાના ટેકેદારોનાં સગાંના ફોન આવે છે કે ક્યાં છે અમારા ઘરના માણસો. તે માણસ ક્યાંક તો કાર્યવાહી કરતો હોયને, એ માણસને ટાઇમ તો આપો, એ ઘટનાક્રમને સમજો. એના જે લોકો છે, જે ગાયબ થઈ ગયા છે એ બધાને સમજવાની ટ્રાય કરો.’

નીતા કુંભાણીએ BJP અને કૉન્ગ્રેસ સામે પણ સવાલો ઉઠાવીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાનો અને નીલેશને બદનામ કરી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. નીલેશ કુંભાણી ભૂગર્ભમાં ઊતરી ગયા છે એના કારણે સુરતમાં કૉન્ગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો છે. સુરતમાં તેમના વિરોધમાં વૉન્ટેડનાં પોસ્ટર લાગ્યાં છે અને એમાં લોકતંત્રનો હત્યારો – ગદ્દાર ગણાવ્યો છે.

gujarat news Gujarat Congress Lok Sabha Election 2024 Gujarat BJP surat