અમદાવાદમાં મતદાન સુધી નહીં ફરકાવી શકાય કાળા વાવટા

18 April, 2024 09:55 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

પોલીસે મૂક્યો પ્રતિબંધ : રાજપૂતોએ કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવાનું એલાન કર્યું છે ત્યારે પોલીસ-કમિશનરે ગઈ કાલથી લઈને વોટિંગના દિવસ સુધી પ્રતિબંધ ફરમાવ્યો

અમદાવાદ પોલીસે બહાર પાડેલું જાહેરનામું.

લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય એ માટે અમદાવાદના પોલીસ-કમિશનર જી. એસ. મલિકે અમદાવાદ શહેરમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર-પ્રસારની રૅલી, સભા, સરઘસ દરમ્યાન કોઈએ કાળા વાવટા ફરકાવવા નહીં કે ઉશ્કેરણીજનક બૅનરો અને પ્લૅકાર્ડ્સ બતાવવાં નહીં અથવા કોઈની વિરુદ્ધમાં ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવો નહીં એવો પ્રતિબંધ ફરમાવ્યો છે. આ પ્રતિબંધનો અમલ ગઈ કાલથી શરૂ કરીને ૭ મે એટલે કે મતદાનના દિવસ સુધી અમલમાં રહેશે.

અમદાવાદ પોલીસને ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે યોજાનારી રૅલી, સભા, સરઘસમાં કોઈ ને કોઈ કારણો આગળ ધરીને કેટલાક માણસો કે જૂથ દ્વારા વિરોધ કરવાની તથા કાળા વાવટા ફરકાવી, સૂત્રોચ્ચાર કરી, પ્લૅકાર્ડ્સ તથા બૅનરો દર્શાવી કે આક્રમક અથવા ઉશ્કેરણીજનક ભાષણ તથા સૂત્રોચ્ચાર કરી જે-તે વિસ્તારની શાં​તિ અને સલામતી જોખમાવાની પૂરેપૂરી સંભાવના જણાતી હોવાથી તથા જાહેર સુલેહ-શાંતિનો ભંગ કે હુલ્લડ કે બખેડો થવાની પૂરેપૂરી સંભાવના રહેલી હોવાથી નાગરિકોની સલામતી, સુરક્ષા અને યોગ્ય જાહેર વ્યવસ્થા જાળવવા નિયમન રાખવાની જરૂર જણાઈ છે.

ઉલ્લેખનીય છે કે રાજપૂતોએ કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવાનું એલાન કર્યું છે અને બીજી તરફ અમદાવાદમાં આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો રોડ-શો છે એવા સમયે કોઈ સમસ્યા ન થાય એવી ભીતિ પોલીસને હોઈ શકે છે.

Lok Sabha Election 2024 gujarat news ahmedabad