અમદાવાદમાં ઊંધિયા-જલેબી માટે સ્વાદના શોખીનોની લાગી લાઇન

15 January, 2022 11:16 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

મોટા ભાગની ગૃહિણીઓએ રસોડે રજા રાખી ઊંધિયા, જલેબી, કચોરી, ખમણની જયાફત માણી : રાત પડતાં જ અમદાવાદમાં જાણે કે દિવાળીનો માહોલ છવાઈ ગયો હોય એમ ફટાકડા ફૂટ્યા

અમદાવાદમાં ઊંધિયાની દુકાન બહાર લોકોની લાંબી લાઇન

ઉત્તરાયણ પર્વ પ્રસંગે ગઈ કાલે અમદાવાદમાં ઊંધિયા-જલેબી લેવા માટે નાગરિકોની લાઇનો લાગી હતી એટલું જ નહીં, મકર સંક્રાન્તિનું પર્વ હોવાથી મોટા ભાગની ગૃહિણીઓએ રસોડે રજા રાખી હતી અને ફૅમિલી સાથે ઊંધિયા, જલેબી, કચોરી તેમ જ ખમણની જયાફત માણી હતી. એક અંદાજ મુજબ એકલા અમદાવાદમાં જ હજારો કિલો ઊંધિયું અને જલેબી ખવાઈ ગયાં હતાં એટલું જ નહીં, રાત પડતાં જ અમદાવાદમાં જાણે કે દિવાળીનો માહોલ છવાઈ ગયો હોય એમ જાતભાતના ફટાકડા નાગરિકોએ ફોડ્યા હતા.
ગુજરાતમાં વર્ષોથી ઉત્તરાયણ પર્વને ઊંધિયા-જલેબી સાથે ખાસ સંબંધ રહ્યો છે. ઉત્તરાયણ નિમિત્તે અમદાવાદમાં તો ઠેર-ઠેર ઊંધિયા-જલેબીનાં નાનાં રસોડાં લાગી જાય છે. નાના-મોટા રસોઇયાઓ માટે આ દિવસ વિશેષ કમાણી કરી લેવાનો દિવસ હોય છે. ઉત્તરાયણ પર્વ પ્રસંગે પતંગ ચગાવીને બપોરે વિરામ સમયે મોટા ભાગના લોકો હવે બહારથી તૈયાર ઊંધિયું અને જલેબી લાવે છે. એની સાથે લીલવાની કચોરી, ખમણ તેમ જ સમોસાની પણ માગ ઊઠી છે. મકર સંક્રાન્તિના આ બે દિવસ દરમ્યાન મોટા ભાગે મહિલાઓ રસોડે રજા રાખીને ફૅમિલી સાથે પતંગ ચગાવતી હોવાથી બપોરે બહારથી ગરમાગરમ ઊંધિયું અને જલેબી લાવીને ફૅમિલી સાથે બેસીને એની જયાફત માણી હતી.
ઊંધિયા અને જલેબી ઉપરાંત દિવસભર પતંગ શોખીનોએ તલસાંકળી, સિંગ ચિક્કી, શેરડી, બોર, જામફળ સહિતની વાનગીઓ અને ફળો ખાવાની મોજ માણી હતી. અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર સહિતનાં નાનાં-મોટાં શહેરોમાં પણ પતંગ રસિયાઓએ અને તેમના પરિવારોએ ઊંધિયા-જલેબીની મોજ માણી હતી. સુરત શહેર તો આમ પણ ખાવા માટે જાણીતું છે ત્યારે સુરતીલાલાઓએ ગઈ કાલે ઉત્તરાયણના દિવસે જલસો પાડી દીધો હતો.
ઉત્તરાયણના પ્રસંગને લોકો ભારે ધામધૂમથી મનાવતા થઈ ગયા છે. દિવસભર પતંગ ચગાવીને તેમ જ ગરબે ઘૂમીને આનંદ મનાવતા લોકોએ રાત પડતાં જ ફટાકડા ફોડવાની શરૂઆત કરી દીધી હતી. બૉમ્બ, રૉકેટ, કોઠીઓ સહિતના અવનવા ફટાકડા ફોડીને ઉત્તરાયણમાં દિવાળીનો પણ માહોલ ખડો કરીને આનંદ મનાવ્યો હતો.

gujarat gujarat news makar sankranti shailesh nayak