ગુજરાતથી મુંબઈના કતલખાને ક્રૂરતાપૂર્વક લઈ જવાતા ૧૭૦ બકરા મુક્ત કરાવીને માંડવી પોલીસે ચાર લોકોની ધરપકડ કરી

12 July, 2026 09:30 AM IST  |  Mandavi | Gujarati Mid-day Correspondent

આ મામલે પોલીસે ૪ લોકોની ધરપકડ કરીને ૧૭૦ બકરા અને ટ્રક મળીને કુલ ૨૧.૬૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર આવેલા ખાનિવડે ટોલનાકા પાસે માંડવી પોલીસની ટીમે ગુપ્ત માહિતીના આધારે શુક્રવારે મોડી રાતે કાર્યવાહી કરી હતી. ગુજરાત તરફથી એક ટ્રકમાં પશુઓને ગેરકાયદે અને ક્રૂરતાપૂર્વક મુંબઈ તરફ લઈ જવામાં આવી રહ્યાં છે એવી બાતમીના આધારે માંડવી પોલીસે ખાનિવડે ટોલનાકા પર વૉચ ગોઠવી હતી. ગુજરાત તરફથી આવી રહેલી એક ટ્રકને રોકીને તપાસ કરતાં એમાંથી અમાનુષી પરિસ્થિતિમાં રાખેલા આશરે ૧૭૦ જેટલા બકરા મળી આવ્યા હતા. આ તમામ પશુઓને રાજકોટના ગોંડલ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી મુંબઈના દેવનાર કતલખાને કતલ કરવાના ઇરાદે લઈ જવામાં આવી રહ્યાં હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. ચોમાસાની ઋતુ અને ભારે વરસાદ હોવા છતાં આ પશુઓને ઓપન ટ્રકમાં રાખવામાં આવ્યાં હતાં. એમના માટે ઘાસચારો, પાણી, હવા કે યોગ્ય આશ્રયની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નહોતી અને પશુઓને એકબીજા પર ખીચોખીચ અને જોખમી રીતે ભરવામાં આવ્યાં હતાં. આ મામલે પોલીસે ૪ લોકોની ધરપકડ કરીને ૧૭૦ બકરા અને ટ્રક મળીને કુલ ૨૧.૬૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે.

gujarat news gujarat kutch gujarat police Crime News