કુદરતની સુંદરતા અને આદિવાસી વારસાને માણવાની શ્રેષ્ઠ તક એટલે મેઘમલ્હાર પર્વ

31 July, 2022 11:07 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

કોરોનાનાં બે વર્ષ બાદ ડાંગના સાપુતારામાં રંગારંગ કાર્યક્રમ સાથે આરંભ, વરસાદી માહોલ વચ્ચે પ્રકૃતિની ગોદમાં સતત એક મહિનો ચાલનારા આ મહોત્સવમાં પર્યટકોને અનેકવિધ મનોરંજન પ્રવૃત્તિઓ મળશે માણવા

સાપુતારામાં ગઈ કાલથી મેઘમલ્હાર પર્વ શરૂ થયું છે, જેમાં કળાકારોએ તેમની કળા રજૂ કરી હતી.

કોરોનાનાં બે વર્ષ બાદ ગુજરાતમાં આવેલા ડાંગના સાપુતારામાં રંગારંગ કાર્યક્રમ સાથે ગઈ કાલથી મેઘમલ્હાર પર્વ શરૂ થયું છે. ઉદ્ઘાટન પરેડમાં કલાકારોએ તેમની કળા દ્વારા રંગ જમાવતાં સહેલાણીઓને મોજ પડી ગઈ હતી. વરસાદી માહોલ વચ્ચે પ્રકૃતિની ગોદમાં સતત એક મહિનો ચાલનારા આ મહોત્સવમાં પર્યટકોને અનેકવિધ મનોરંજન પ્રવૃત્તિઓ માણવા મળશે.
ડાંગના હિલ-સ્ટેશન સાપુતારામાં બોટિંગ ક્લબના ગ્રાઉન્ડમાં ગઈ કાલે ગુજરાતના પ્રવાસન અને યાત્રાધામ વિકાસપ્રધાન પૂર્ણેશ મોદીએ વિવિધ વિકાસકામોનું લોકાર્પણ તેમ જ મેઘમલ્હાર પર્વ – ૨૦૨૨નું ઉદ્ઘાટન કરીને કહ્યું હતું કે ‘સાપુતારાના સર્વાંગી વિકાસને ધ્યાને લેતાં અહીં ડાંગ ટૂરિસ્ટ સર્કિટ વિકસાવવાનું વિચારાધીન છે. રાજ્યના સૌથી હરિયાળા પ્રદેશ ડાંગ જિલ્લાનાં ઐતિહાસિક - સાંસ્કૃતિક વારસો ધરાવતાં પ્રવાસન સ્થળોને સાંકળી લઈને આગામી ત્રણ વર્ષમાં આ ટૂરિસ્ટ સર્કિટ વિકસાવવામાં આવશે. સાપુતારા સહિત ડાંગ જિલ્લાને ઓળખ આપતા ગીરા અને ગિરમાળ વૉટરફૉલ, પંપા સરોવર, શબરીધામ, કળમ્બડુંગર, ડોન, અંજનકુંડ, પાંડવ ગુફા, માયાદેવી અને તુલસિયાગઢ, મહાલ – કિલાદ અને દેવિનામાળ જેવી ઇકો ટૂરીઝમ કૅમ્પ સાઇટ, બોટનિકલ ગાર્ડન અને નૅશનલ પાર્ક જેવાં આકર્ષણો પ્રવાસીઓને ડાંગ તરફ આકર્ષી રહ્યાં છે ત્યારે અહીં પ્રવાસન પ્રવૃત્તિઓના વિકાસ સાથે સ્થાનિક રોજગારી સર્જનને પણ રાજ્ય સરકારે નવી દિશા બતાવી છે. સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લાના ચોમાસાના માહોલને માણવા સાથે મેઘમલ્હાર પર્વનું સુભગ મિલન થતાં અહીં સોનામાં સુગંધ ભળી છે.’
ચોમાસામાં યોજાઈ રહેલા મેઘમલ્હાર પર્વમાં રેઇન રન મૅરેથૉન, બોટ રેસિંગ, નૅચર ટ્રેઝર હન્ટ સહિતના કાર્યક્રમો ઉપરાંત જન્માષ્ટમી પર્વે દહીંહાંડી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પર્વ દરમ્યાન આર્ટ ગૅલરી વર્કશૉપ, ફોટોગ્રાફી, આર્ટ પેઇન્ટિંગ, બામ્બુ ક્રાફ્ટિંગ, વારલી પેઇન્ટિંગ, ક્વિઝ કૉન્ટેસ્ટ, રંગોળી સ્પર્ધા, મ્યુઝિકલ લર્નિંગ કૉમ્પિટિશન, વિવિધ રમતો સહિત અનેક મનોરંજક પ્રવૃત્તિઓમાં પર્યટકોને ભાગ લેવાનો મોકો મળશે.

gujarat gujarat news shailesh nayak