19 October, 2026 04:18 PM IST | Porbandar | Gujarati Mid-day Correspondent
પોરબંદરમાં માતાજી સમક્ષ માથું ટોપીથી ઢાંકીને ગવાય-રમાય છે પરંપરાગત ગરબા
દેશ સહિત દુનિયામાં આદ્યશક્તિની નવરાત્રિનો રંગ જામ્યો છે અને માઈભક્તો માતાજીના ગુણલા ગાઈ રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રમાં આવેલા પોરબંદરમાં આજે પણ ૧૦૦ વર્ષ કરતાં જૂની પરંપરાને અનુસરીને જેન-ઝી સહિતના યુવાનો અને વડીલો માતાજીના ગરબે ઘૂમી રહ્યા છે. માતાજી સમક્ષ માથું ટોપીથી ઢાંકીને પુરુષો ગરબામાં ઘૂમી રહ્યા છે. વધુ આશ્ચર્યની વાત એ છે કે અહીં કોઈ સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કર્યા વગર વડીલો સહિતના ખેલૈયાઓ ગરબા ગાય છે અને ગરબે ઘૂમતા ખેલૈયાઓ આ ગરબાને ઝીલે છે જેને કારણે આ ગરબા દર્શનીય બની રહ્યા છે.
ભદ્રકાળી ગરબી મંડળના આયોજક દેવ મકવાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોરબંદરમાં લીમડા ચોકમાં ભદ્રકાળી મંદિર પાસે અમારા મંડળ દ્વારા ૧૦૨ વર્ષથી પરંપરાગત ગરબા થાય છે. પહેલાંના સમયથી નવરાત્રિમાં અહીં માત્ર પુરુષો જ ગરબા ગાય છે. માતાજી સામે ગરબા રમતી વખતે માથું ખુલ્લું ન રખાય એટલે અમારે ત્યાં માતાજીની સામે માથું ઢાંકીને ગરબા રમવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. એને કારણે ગરબે રમતાં બાળકો તેમ જ પુરુષો માથે એકસરખી ટોપી પહેરીને ગરબા રમે છે. અમારે ત્યાં માઇક કે સાઉન્ડનો ઉપયોગ થતો નથી. કોઈ મ્યુઝિકલ પાર્ટી નથી આવતી પણ સમાજના પાંચ-છ વડીલો એક પછી એક ગરબો ઉપાડે એટલે કે ગાય છે અને એ ગરબાને ગરબે રમતા લોકો ઝીલે છે. અમારા ગરબાની વધુ એક વિશેષતા એ છે કે અમારે ત્યાં હાર્મોનિયમ, ઢોલ અને મંજીરાના તાલ પર પરંપરાગત રીતે ગરબા રમાય છે.’