અમદાવાદના બુક ફેસ્ટિવલમાં હનુમાન ચાલીસાના ટચૂકડા પુસ્તકે આકર્ષણ જમાવ્યું

19 November, 2025 12:01 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

બે ઇંચ પહોળી ને સવા ઇંચ લાંબી, ૪૮ પાનાંની હનુમાન ચાલીસામાં દરેક ચોપાઈ નીચે એનો અર્થ લખેલો છે

ટચૂકડી હનુમાન ચાલીસા વાંચી શકાય એવી છે. (તસવીરો: જનક પટેલ)

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને નૅશનલ બુક ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા અમદાવાદ ઇન્ટરનૅશનલ બુક ફેસ્ટિવલમાં હનુમાન ચાલીસાના ટચૂકડા પુસ્તકે આકર્ષણ જમાવ્યું છે. આ ચાલીસા માત્ર શોકેસ માટે છે એવું નથી; આ નાનકડી હનુમાન ચાલીસા વાંચીને એનું ગાન કરી શકાય એવી છે એટલું જ નહીં, ચાલીસાની દરેક ચોપાઈનો અર્થ પણ એમાં આપવામાં આવ્યો છે. આ ચાલીસાને સૌથી નાની હનુમાન ચાલીસા તરીકે ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ‍્સમાં સ્થાન મળે એ માટે સંપર્ક કરવામાં આવ્યો છે. આ બુક ફેસ્ટિવલ ૨૩ નવેમ્બર સુધી ચાલવાનો છે.

ટચૂકડી ચાલીસા બનાવનારા નવરંગ પ્રિન્ટર્સના અપૂર્વ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બે ઇંચ પહોળી અને સવા ઇંચ લાંબી ૪૮ પાનાંની ટચૂકડી હનુમાન ચાલીસાની બુક અમે બનાવી છે. આ હનુમાન ચાલીસામાં દરેક ચોપાઈ નીચે એનો અર્થ લખેલો છે. અયોધ્યામાં રામમંદિર બન્યા પછી મને થયું કે રામભક્ત હનુમાનજી પર ફોકસ કરીને કંઈક બનાવીએ એટલે આ નાની સાઇઝની હનુમાન ચાલીસા બનાવી છે. એ બનાવતાં એક મહિનાનો સમય લાગ્યો હતો. એમાં હનુમાનજીનાં ચિત્રો ધરતી દેસાઈ અને અ​શ્વિની સોલંકીએ બનાવ્યાં છે. હનુમાન ચાલીસાને જાતે ટાઇપ કરી છે અને એ પછી પંડિત દ્વારા એનું પ્રૂફ-રીડિંગ કરાવ્યું હતું. આ ટચૂકડી હનુમાન ચાલીસા સૌથી પહેલાં હનુમાનગઢીમાં અને અયોધ્યામાં રામમંદિરમાં મૂકી હતી. હાલમાં મેં ૧૦ કૉપી બનાવી છે, પરંતુ આ હનુમાન ચાલીસા જોઈને લોકો એની ડિમાન્ડ કરી રહ્યા છે અને નાની હનુમાન ચાલીસા બુકના ૩૦૦ ઑર્ડર પણ લખાવ્યા છે. સૌથી નાની હનુમાન ચાલીસા માટે ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ‍્સનો સંપર્ક કર્યો છે. ટચૂકડી હનુમાન ચાલીસા બુક બનાવવા ઉપરાંત ઉપરાંત તામ્રપત્ર પર હનુમાન ચાલીસા અંકિત કરી છે. અઢી ઇંચ લાંબા અને બે ઇંચ પહોળા ૨૬ ગેજના પ્યૉર તાંબાના પત્ર પર હનુમાન ચાલીસા અંકિત કરી છે. કુલ પાનાં ૧૬ તાંબાનાં થયાં છે. તામ્રપત્રમાંથી હનુમાન ચાલીસાના અક્ષર ભૂંસાઈ ન જાય એ માટે તાંબાની અંદર અક્ષરો છે અને એના પર કલર કરીને કોટિંગ કરવામાં આવ્યું છે. જોકે એમાં માત્ર ચોપાઈ છે. ટચૂકડી હનુમાન ચાલીસાની કિંમત ૮૦ રૂપિયા અને તામ્રપત્રની હનુમાન ચાલીસાની કિંમત ૭૯૦ રૂપિયા રાખી છે.’

કેવી વિશેષતાઓ?

આ હનુમાન ચાલીસાની વિશેષતા એ છે કે એમાં ૪૧૮ શબ્દો છે, કુલ મળીને ૧૦૪૧ અક્ષરો છે. એમાં ૧૦૮ વાર હનુમાનજીનું નામ આવે છે એટલે આપણે માળા કરીએ એમ હનુમાન ચાલીસા કરતાં હનુમાનદાદાનું ૧૦૮ વાર નામસ્મરણ થઈ જાય છે. આ ઉપરાંત ચાલીસામાં ૧૦ વાર રામચંદ્ર ભગવાનનું નામ આવે છે.

ટૉમ ઍન્ડ જેરી નહીં, અડુકિયો દડુકિયોનાં કટઆઉટ્સ મુકાયાં

નવી પેઢી મોટા ભાગે ટૉમ ઍન્ડ જેરી જેવાં પાત્રોથી પરિચિત છે ત્યારે અહીં ગુજરાતી બાળવાર્તાઓનાં અવિસ્મરણીય પાત્રો છકો મકો, ચોટી ચતુર અને મુંડા ચતુર, મિયાં ફુસકી, તભા ભટ્ટ, અડુકિયો દડુકિયો જેવાં પાત્રોનાં કટઆઉટ્સ મુકાયાં છે. બાળકો આ પાત્રોને જોતાં જ રહી ગયાં છે, કેમ કે મોટા ભાગનાં બાળકોને આ પાત્રો વિશે ખબર નથી. જ્યારે બાળકોએ આ પાત્રો વિશે જાણ્યું ત્યારે એ પાત્રો સાથે ફોટો પડાવવા બેન્ચ પર બેસી જતાં હતાં. 

gujarat news gujarat ahmedabad municipal corporation ahmedabad culture news