03 June, 2026 07:39 AM IST | Surat | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સુરતમાં કાળજું કંપાવતી ઘટના બની છે. બીમારીથી કંટાળી ગયેલી એક મમ્મીએ પહેલી જૂને તેના માત્ર ૪ મહિનાના બાળકને ઍસિડ પીવડાવીને પોતે પણ પી લેતાં માતા અને માસૂમ બાળકનાં મોત થયાં હતાં. આ હૃદયદ્રાવક ઘટનાની જાણ લોકોને થતાં સુરતમાં અરેરાટી ફેલાઈ જવા સાથે મહિલાના પરિવારમાં શોક છવાઈ ગયો હતો.
સરથાણા પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડી. કે. પટેલે મીડિયાને કહ્યું હતું કે ‘પહેલી જૂને સરથાણા પોલીસને જાણવા મળ્યું હતું કે સરથાણા વિસ્તારમાં રહેતી ધારા કોટડિયાએ ઍસિડ પીધું છે અને તેના ૪ મહિનાના બાળકને પણ ઍસિડ પીવડાવ્યું છે. હૉસ્પિટલમાં જઈને તપાસ કરતાં માતા અને બાળક અનકૉન્શિયસ હતાં. જોકે રાતે ૧૦ વાગ્યે ખબર પડી કે બાળકનું મોત થયું છે. ધારા કોટડિયાના પતિ મનીષે કહ્યું હતું કે તેની પત્નીને છેલ્લાં ૪ વર્ષથી મગજની આંચકીની બીમારી હોવાથી ત્રાસી જઈને તેણે આપઘાત કર્યો છે અને બાળકને ઍસિડ પીવડાવીને તેનું મોત નિપજાવ્યું છે.’