જીવતી-જાગતી નવજાત બાળકીને ખાડો ખોદીને ખુદ માતાએ જ દાટી દીધી હતી

06 August, 2022 08:32 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

વહેલી સવારે આ પાપ કોઈ જોઈ ન જાય એટલે પિતા ચોકી કરતા રહ્યા અને માતાએ ખાડો ખોદીને બાળકીને જમીનમાં ધરબી દીધી : આર્થિક કારણોસર માતાપિતાએ સાથે મળીને અધૂરા માસે જન્મેલી બાળકીનો નિકાલ કરવાનો નિર્ણય લીધો

સાબરકાંઠાના ગાંભોઈમાં બાળકીને જમીનમાં દાટી દેનારાં નિષ્ઠુર માતાપિતા

‘મા તે મા, બીજા વગડાના વા’ આ કહેવત સાબરકાંઠાના ગાંભોઈમાં ખોટી પડી છે, કારણ કે ખુદ જનેતાએ જ પોતાની નવજાત બાળકીને ખાડો ખોદીને એમાં દાટી દીધી હોવાની ક્રૂર અને હ્રદયદ્રાવક તેમ જ માનવતાને શર્મસાર કરતી ચોંકાવનારી ઘટના બહાર આવી છે. ગાંભોઈમાંથી ગુરુવારે દાટી દીધેલી હાલતમાં મળી આવેલી નવજાત બાળકીના કિસ્સામાં જીવતી-જાગતી બાળકીને ખાડો ખોદીને તેની માતાએ જ દાટી દીધી હતી એટલું જ નહી, પરંતુ વધુ ચોંકાવનારી વાત એ હતી કે વહેલી સવારે આ પાપ કોઈ જોઈ ના જાય એટલા માટે બાળકીના પિતા ચોકી કરતા રહ્યા હતા અને માતાએ ખાડો ખોદીને બાળકીને જમીનમાં ધરબી દીધી હતી. જોકે પોલીસે ગઈ કાલે માતા અને પિતાને શોધીને તેમની ધરપકડ કરી હતી અને તેમની વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાબરકાંઠા પોલીસે આ ઘાતકી-નિષ્ઠુર માતાપિતાની કરેલી પૂછપરછમાં પ્રાથમિક તબક્કે એવી વિગતો બહાર આવી છે કે આર્થિક કારણોસર આ માતાપિતાએ સાથે મળીને અધૂરા માસે જન્મેલી બાળકીનો નિકાલ કરવાનો નિર્ણય લીધો હતો અને ઘરની પાછળ આવેલા ખેતરમાં દાટીને નાસી છૂટ્યાં હતાં, પણ સાબરકાંઠા પોલીસે તેમને ઝડપી લીધાં હતાં.

આ પણ વાંચો : આપો અમને એ બાળકી દત્તક

સાબરકાંઠાના એસ.પી.વિશાલ વાઘેલાએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘ગાંભોઈમાંથી ગુરુવારે નવજાત બાળકી દાટેલી હાલતમાં મળી આવ્યા બાદ પોલીસની અલગ-અલગ ટીમ બનાવી તેના વાલીની શોધખોળ શરૂ કરી હતી, જેમાં અમને જાણકારી મળી હતી કે એક શંકાસ્પદ પતિ-પત્ની ગાયબ છે જેમાં પત્ની પ્રેગનન્ટ હતી. એટલે ટે​કિનકલ અને હ્યુમન ઇન્ટેલિજન્ટ દ્વારા તેમની શોધ આદરીને માતા મંજુલા અને પિતા શૈલેષને પોલીસે ઝડપી પાડ્યાં હતાં. તેમની  પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે ગુરુવારે સવારે ૬ વાગ્યે અધૂરા માસે આ બાળકીની ડિલિવરી ઘરે જ થઈ હતી. માતાપિતાએ જ બાળકીને દાટી દેવાનું કૃત્ય કર્યું હતું એની કબૂલાત તેમણે કરી છે.’ 

gujarat gujarat news shailesh nayak