મુંબઈની મૉડલ એશ્રાએ ગુજરાતમાં સરપંચની ચૂંટણીમાં ઝંપલાવ્યું

16 December, 2021 10:18 AM IST  |  Mumbai | Shailesh Nayak

ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવિઠા ગામમાં નોંધાવી ઉમેદવારી અને કરી રહી છે પ્રચાર

કાવિઠા ગામમાં ચૂંટણીપ્રચાર માટે નીકળેલી એશ્રા પટેલ

મુંબઈના અંધેરીમાં રહેતી અને મૉડલિંગનું કામ કરતી એશ્રા પટેલે ગુજરાતમાં યોજાનારી ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં જંપલાવ્યું છે. છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવિઠા ગામમાં ઉમેદવારી નોંધાવીને તે હાલમાં ગામમાં પ્રચારકાર્યમાં વ્યસ્ત બની છે.
ગુજરાતમાં અગામી ૧૯ ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ ચૂંટણીમાં કાવિઠા ગામના સરપંચ પદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર એશ્રા પટેલે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘મારા ગામના ગ્રામજનોને સુવિધા ઉપલબ્ધ કરાવવા હું સરપંચની ચૂંટણીમાં ઊભી રહી છું. મારા ગામમાંથી મેં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યું છે. ખેતરમાં કામ પણ કર્યું છે. મિસ ઇન્ડિયા વિશે મેં જ્યારે જાણ્યું ત્યારે મને પણ થયું કે હું મિસ ઇન્ડિયાની સ્પર્ધામાં ભાગ લઉં. મિસ ઇન્ડિયાની સ્પર્ધામાં ભાગ લેવા હું મુંબઈ આવી હતી અને ૨૦૦૯થી હું અહીં રહું છું અને મૉડલિંગનું કામ કરી રહી છું.  ૧૫૦થી વધુ ઍડ કરી ચૂકી છું તેમ જ ફિલ્મમાં પણ કામ કર્યું છે. લૉકડાઉન વખતે મારા ગામ કાવિઠા હું આવી હતી. આ દરમ્યાન મેં ગામમાં જરૂરિયાતમંદોને દવાઓની મદદ કરી, સ્ટુડન્ટસને અભ્યાસ કરાવવા સહિતની હેલ્પ કરી હતી.’
એશ્રા પટેલે વધુમાં કહ્યું હતું કે ‘લૉકડાઉન દરમ્યાન મારા ગામમાં હું જ્યારે સેવાપ્રવૃત્તિ કરી રહી હતી તે વખતે મને ગામવાસીઓએ કહ્યું હતું કે તમે ગામના સરપંચ બનો. મને તેમનો આઇડિયા ગમ્યો અને ગામના સરપંચની ચૂંટણીમાં મેં ઉમેદવારી નોંધાવી. કેમકે મારી ઇચ્છા હતી કે ગામના લોકો માટે કંઈક કરવું જોઈએ. અહીં મેં જોયું કે આજે ૨૦૨૧ના વર્ષમાં પણ મારા ગામમાં એસ.ટી. બસ આવતી નથી. રોજગારીનો પ્રશ્ન છે, બાળકોને સારું શિક્ષણ મળે, નાના ખેડૂતોની ઇન્કમ વધે તે સહિતના મુદ્દે કામ કરવું છે. હું અહીં ગામમાં જ રહેવાની છું અને કામ હશે તો મુંબઈ જઈશ. ગામમાં સરપંચની ચૂંટણીમાં ચાર મહિલા ઉમેદવાર ઊભી છે એટલે અત્યારે ચૂંટણીના પ્રચારનું કામ ચાલી રહ્યું છે અને મને ગામવાસીઓનો સહકાર મળી રહ્યો છે.’
ઉલ્લેખનીય છે કે એશ્રા પટેલના પિતા નરહરિ પટેલ પણ કાવિઠા ગામના બે વખત સરપંચ રહી ચૂક્યા છે. નરહરિ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી દીકરી પહેલાંથી જ જરૂરિયાતમંદોને મદદ કરતી આવી છે, તેનો નેચર હેલ્પફુલ છે.’

gujarat gujarat news shailesh nayak