04 January, 2026 07:05 AM IST | Nadiad | Gujarati Mid-day Correspondent
સંતરામ મંદિરમાં બોરની ઉછામણી થઈ હતી અને શ્રદ્ધાળુઓએ એને ઝીલ્યાં હતાં.
પોષી પૂનમના દિવસે ગઈ કાલે મધ્ય ગુજરાતના નડિયાદમાં જગપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ પોતાનાં બાળકોની બાધા પૂરી કરવા ઊમટ્યા હતા અને ટ્રકો ભરાય એટલાં અંદાજે ૧૦ ટન જેટલાં બોર શ્રદ્ધાપૂર્વક ઉછાળીને બાધા પૂરી કરવામાં આવી હતી.
બોલતાં ન હોય કે બોલતાં અચકાતાં હોય એવાં બાળકો માટે તેમનાં માતા-પિતા કે પરિવારજનો સંતરામ મંદિરમાં યથાશક્તિ મુજબ બોર ઉછામણીની બાધા રાખતાં હોય છે. પોતાનું બાળક ચોખ્ખી રીતે બોલતું થઈ જાય ત્યારે આ બાધા પૂરી થતાં માતા-પિતા કે પરિવારજનો બોર લઈને સંતરામ મંદિરમાં આવે છે અને શ્રદ્ધાપૂર્વક શીશ નમાવીને બાધા પૂરી કરે છે. વર્ષમાં એક દિવસ પોષી પૂનમના દિવસે આ બાધા પૂરી કરવામાં આવે છે.
બાધા પૂરી કરવા માટે પોષી પૂનમના દિવસે વહેલી સવારથી શ્રદ્ધાળુઓનો ધસારો થયો હતો. એક અંદાજ મુજબ આશરે પાંચ લાખ જેટલા શ્રદ્ધાળુઓ બાધા પૂરી કરવા માટે સંતરામ મંદિરમાં આવ્યા હતા. બાધા પૂરી કરવા માટે એક વાલી અંદાજે એકથી બે કિલો કે એનાથી વધુ બોર લાવે છે. લોકોએ મંદિરના પરિસરમાં અંદાજે ૧૦ ટન બોર ઉછાળ્યાં હતાં જેને કારણે પરિસરમાં બોરની રીતસરની વર્ષા થઈ હતી. ઊછળતાં બોરોને શ્રદ્ધાપૂર્વક ભાવિકોએ પ્રસાદરૂપે ઝીલ્યાં હતાં. મંદિરમાં બોર ઝીલવાનું પણ એક માહાત્મ્ય છે અને બોર ઝીલવા માટે પણ લોકો ઊમટે છે.
બાધા પૂરી કરવા માટે નડિયાદ તેમ જ આસપાસનાં ગામો ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત સહિત ગુજરાતમાંથી તેમ જ પરદેશથી પણ લોકો આવ્યા હતા. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંતરામ મંદિરમાં ઊમટતાં નડિયાદના માર્ગો ભરાઈ ગયા હતા અને જ્યાં જુઓ ત્યાં જય મહારાજનો નાદ ગુંજતો હતો.