ભારે વરસાદથી માંગરોળ પાસે નૅશનલ હાઇવે ધોવાયો, ૯૦૦ યાત્રીઓ અટવાયા

05 July, 2026 09:01 AM IST  |  Junagadh | Gujarati Mid-day Correspondent

વરસાદ બંધ રહેતાં માંગરોળ તેમ જ આસપાસનાં ગામોની વરસાદી પાણીએ કરેલી બરબાદી સામે આવી હતી. આ પંથકના લોકોએ પારાવાર હાલાકી અનુભવી છે.

માંગરોળ પંથકમાં વરસાદને પગલે ખાનાખરાબીનાં દૃશ્યો.

જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં ત્રણ દિવસમાં ૪૦ ઇંચ વરસાદ ખાબકતાં માંગરોળ પંથકની સ્થિતિ બદતર થઈ ગઈ છે. વરસાદ બંધ થયા પછી ગઈ કાલે આ પંથકમાં થયેલી તારાજીનાં દૃશ્યો સામે આવ્યાં હતા. માંગરોળના હુસૈનાબાદ ગામ પાસે નોળી નદીના ધસમસતા પાણીએ નૅશનલ હાઇવેને ધોઈ નાખ્યો હતો જેને કારણે આ માર્ગ બંધ થઈ ગયો હતો. ઘેડ પંથકમાં પાણી ફરી વળતાં અનેક ગામો અસરગ્રસ્ત બન્યાં છે.   

માંગરોળમાં ૩ દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદે ગઈ કાલે પોરો ખાધો હતો. વરસાદ બંધ રહેતાં માંગરોળ તેમ જ આસપાસનાં ગામોની વરસાદી પાણીએ કરેલી બરબાદી સામે આવી હતી. આ પંથકના લોકોએ પારાવાર હાલાકી અનુભવી છે.

માંગરોળમાં બંદર વિસ્તાર અને સાગર સોસાયટીમાં છાતી સુધી વરસાદી પાણી ગઈ કાલ સુધી ભરાયેલાં હતાં. આ વિસ્તારમાં હોડીઓ ફરતી થઈ હતી. અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયાં હતાં અને ઘરવખરીને ભારે નુકસાન થયું છે. ગામોમાં વરસાદી પાણી તેમ જ પૂરનાં પાણી ભરાઈ જતાં જળકરફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ હતી. 

માંગરોળના હુસૈનાબાદ ગામ પાસે નૅશનલ હાઇવે ૫૧ ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત થયો હતો જેને કારણે વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. જોકે વહીવટી તંત્ર અને નૅશનલ હાઇવે ઑથોરિટીએ યુદ્ધના ધોરણે પુરાણ કરીને રસ્તાને ફરી ચાલુ કરી દીધો હતો.

દ્વારકાની યાત્રા પૂરી કરીને ડોળાસા પાછા જઈ રહેલા આશરે ૯૦૦ જેટલા યાત્રીઓ હુસૈનાબાદ પાસે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાના કારણે અટવાઈ ગયા હતા. જોકે વહીવટી તંત્રએ આ તમામ યાત્રીઓને રાતે મુક્તપુર સાઇક્લોન સેન્ટર ખાતે લઈ જઈને રાત્રિરોકાણની તેમ જ ભોજનની વ્યવસ્થા કરી હતી. 

ડાંગ જિલ્લામાં તેમ જ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ડાંગની નદીઓમાં પૂર આવવા ઉપરાંત જુદાં-જુદાં સ્થળોએ વૉટરફૉલ્સ પણ જીવંત બન્યા છે ત્યારે ત્યાં કોઈ મુશ્કેલી ન સર્જાય એ માટે ડાંગના અધિક જિલ્લા મૅજિસ્ટ્રેટે ડાંગનાં જોવાલાયક સ્થળો, નદી, તળાવ, ધોધ, ચેકડૅમ સહિતનાં સ્થળોએ કોઈ પણ વ્યક્તિ ન પ્રવેશે એ માટે પ્રતિબંધ ફરમાવ્યો છે.

gujarat news gujarat junagadh Gujarat Rains monsoon news