30 May, 2026 10:42 AM IST | Navsari | Gujarati Mid-day Correspondent
નવસારીના મેયરને અભિનંદન આપતા સંસદસભ્ય ધવલ પટેલ (ડાબે)
દક્ષિણ ગુજરાતના નવસારી શહેરના નવા બનેલા મેયર અશોક ધોરાજિયાએ પેટ્રોલ-ડીઝલની હાલની પરિસ્થિતિ વચ્ચે આવકારદાયક નિર્ણય કર્યો છે. તેઓ મેયરને મળતી કારનો ઉપયોગ નહીં કરે તેમ જ મેયર આવાસમાં રહેવા પણ નહીં જાય અને પોતાના ઘરે જ રહેશે.
મૂળ સૌરાષ્ટ્રના અમરેલીના અને ૧૯૮૨થી નવસારી આવીને વસેલા નવસારીના મેયર અશોક ધોરાજિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેયર તરીકે મળતી સવલતોનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય કર્યો છે અને એના ભાગરૂપે મેયરને જે કાર મળે છે એનો ઉપયોગ ટાળીને એને બદલે મારી પોતાની કાર છે એનો ઉપયોગ કરીશ. મેયરની કારનો ઉપયોગ કરીએ એમાં પ્રજાના પૈસા વપરાતા હોય છે એટલે એ સવલત હું નહીં લઉં. હું નરેન્દ્ર મોદીસાહેબની વિચારધારામાં માનું છું અને હમણાં પેટ્રોલ-ડીઝલને લઈને જે સ્થિતિ છે ત્યારે મેયરની કારનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત મેયરના ઘરને બદલે હું મારા ઘરે જ રહીશ. મારી ટર્મ દરમ્યાન નવસારીના નાગરિકોની સુખાકારીનાં કામો કરવાનો પ્રયાસ કરીશ.’