20 August, 2026 09:56 AM IST | Vadodara | Gujarati Mid-day Correspondent
ગંભીરા બ્રિજની પાસે નવો બનેલો બીજો બ્રિજ
વડોદરા જિલ્લાને આણંદ જિલ્લા સાથે જોડતો ગંભીરા બ્રિજ એક વર્ષ પહેલાં તૂટી પડ્યો હતો. હવે આ બ્રિજની બાજુમાં બીજા નવા બ્રિજનું નિર્માણકાર્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા એક વર્ષ અને એક મહિના જેટલા ટૂંકા સમયગાળામાં પૂરું કરવામાં આવ્યું છે. હાલમાં બ્રિજ પર જરૂરી પરીક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે. મંજૂરી આવ્યા બાદ આ બ્રિજ ટૂંક સમયમાં વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાશે.
ગંભીરા બ્રિજના નિર્માણમાં આધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્રિજના સ્ટીલમાં ઇપોક્સી કોટેડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી લાંબા ગાળે કાટ લાગવાની શક્યતા ઘટશે તેમ જ બ્રિજનું ટકાઉપણું અને આયુષ્યમાં વધારો થશે. બ્રિજના નિર્માણકાર્યને ઝડપી બનાવવા માટે પ્રીકાસ્ટ એલિમેન્ટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્રિજના નિર્માણ માટે સરેરાશ ૩૦૦ જેટલા શ્રમિકો દ્વારા દિવસ-રાત કામગીરી કરવામાં આવી હતી.
૨૦૨૫ની ૯ જુલાઈઅે મહીસાગર નદી પરનો મુજપુર ગંભીરા બ્રિજ સવારે સાડાસાત વાગ્યાના અરસામાં વચ્ચેથી ધડાકાભેર તૂટી ગયો હતો. પુલ તૂટી પડતાં પુલ પરથી પસાર થઈ રહેલાં સાતથી વધુ વાહનો નીચે નદીમાં ખાબક્યાં હતાં જેના કારણે ૨૦ જેટલા લોકોનાં મૃત્યુ થયાં હતાં.