જેલમાં કેદ દરેક વ્યક્તિ સ્વભાવે ક્રિમિનલ નથી હોતી: અમિત શાહ

05 September, 2022 10:02 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદમાં ત્રણ દિવસની ઑલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટના ઉદ્ઘાટનમાં ગૃહપ્રધાને કહ્યું કે સમાજમાં જે દૃષ્ટિકોણથી જેલને જોવામાં આવે છે એને બદલવાની જરૂર છે

અમદાવાદમાં ગઈ કાલે છઠ્ઠી ઑલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટના ઉદ્ઘાટન સત્ર દરમ્યાન કૉફી ટેબલ બુક લૉન્ચ કરતા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી.

અમદાવાદ ઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે જણાવ્યું હતું કે સમાજમાં જે દૃષ્ટિકોણથી જેલને જોવામાં આવે છે એને બદલવાની જરૂર છે. તેમણે અમદાવાદમાં ત્રણ દિવસની ઑલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટના ઉદ્ઘાટનમાં સંબોધતી વખતે આમ જણાવ્યું હતું. 
અમિત શાહે કહ્યું કે ‘ગુજરાતમાં પહેલી વખત પ્રિઝન મીટ યોજાઈ હતી ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા અને હું ગુજરાતનો ગૃહપ્રધાન હતો. હવે બીજી વખત યોજાઈ રહી છે ત્યારે નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન છે અને તેમણે મને દેશના ગૃહપ્રધાનની જવાબદારી સોંપી છે.’
તેમણે કહ્યું કે ‘જેલમાં કેદ દરેક વ્યક્તિ સ્વભાવે ક્રિમિનલ નથી હોતી, ક્યારેક એવી પરિસ્થિતિ સર્જાય છે જેને લીધે તેઓ સંડોવાઈ જાય છે. જેલ વહિવટીતંત્ર એ સમાજ-વ્યવસ્થા જાળવવાનું મહત્ત્વનું અંગ છે ત્યારે જેલ સુધારણા અને એના દ્વારા કેદીઓનું પુનર્વસન થાય એ પણ એટલું જ જરૂરી છે. કેન્દ્ર સરકારે જેલ સુધારણાને પ્રાથમિકતા આપી છે. કેન્દ્ર સરકાર આગામી ૬ મહિનામાં મૉડલ ઍક્ટ લાવશે અને એના પગલે દેશની તમામ જેલોમાં અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ થશે. દરેક રાજ્ય અને જિલ્લામાં કોર્ટ દ્વારા કેસના નિકાલ માટે વિડિયો કૉન્ફરન્સની સુવિધા હોવી જોઈએ, જે સમયની માગ છે.’

ahmedabad gujarat news amit shah