૨૦ વર્ષથી પોલીસને હાથતાળી આપી રહેલો રહમાન ડકૈત સુરતથી પકડાયો

12 January, 2026 01:01 PM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

૧૪ રાજ્યોમાં ફેલાયેલું ક્રાઇમ નેટવર્ક ધરાવતો રાજુ ઈરાની કૉર્પોરેટ સ્ટાઇલમાં ગુના આચરતો હતો અને લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ જીવતો

આરોપી

દેશભરની પોલીસને લગભગ બે દાયકાથી હાથતાળી આપી રહેલો કુખ્યાત અપરાધી આબિદ અલી ઉર્ફે રાજુ ઈરાની ઉર્ફે રહમાન ડકૈત આખરે પોલીસના હાથે ચડી ગયો હતો. સુરતની ક્રાઇમ બ્રાન્ચે એક સીક્રેટ ઑપરેશન કરીને સુરતના લાલગેટ વિસ્તારમાંથી આબિદ અલીને પકડી લીધો હતો. તેની ધરપકડ વખતે એક પણ ગોળી ચાલી નહોતી. રાજુ ઈરાનીને ‘રહમાન ડકૈત’નું બિરુદ છેલ્લા થોડા સમયથી જ મળ્યું હતું. રાજુને રીલ્સ બનાવવાનો શોખ હતો. ‘ધુરંધર’ ફિલ્મ આવ્યા પછી તેણે રહમાન ડકૈતથી પ્રેરાઈને રીલ્સ બનાવી હતી. જોકે તે પહેલેથી જ રહમાન ડકૈત જેવી અમીર લાઇફસ્ટાઇલમાં જીવતો હતો એટલે લોકો તેને રહમાન ડકૈત કહેવા લાગ્યા હતા.

આબિદ અલી ઉર્ફે રાજુ ઈરાનીનું ગુનાઓનું નેટવર્ક ૧૪ રાજ્યોમાં ફેલાયેલું હતું. તે વિવિધ રાજ્યોમાં મોટું ક્રાઇમ નેટવર્ક ધરાવે છે અને દર વખતે અલગ-અલગ વેશ ધારણ કરીને ગુના આચરતો રહ્યો છે. ક્યારેક તો તે નકલી પોલીસ કે નકલી CBI ઑફિસર બનતો હતો તો સાધુબાવાના રૂપમાં તો તેણે અનેક લોકોને ઠગીને લૂંટફાટ કરી હતી.

રાજુ ઈરાની ઈરાની ડેરા નામની ગૅન્ગનો માસ્ટરમાઇન્ડ છે અને એનું મુખ્ય ઑપરેશન સેન્ટર ભોપાલ હતું. તેના નામે મધ્ય પ્રદેશમાં લગભગ ૨૧ કેસ ચાલે છે. તે લૂંટફાટ, ચોરી અને આગ લગાવવાની ઘટનાઓને અંજામ આપતો હતો. લૂંટથી મળેલા પૈસાથી રહમાન લક્ઝુરિયસ લાઇફ જીવતો હતો. તે મોંઘી કાર, સ્પોર્ટ્સ બાઇક અને અરબી ઘોડાઓનો શોખીન છે. પોલીસનું કહેવું છે કે ગુના કરીને કમાયેલી રકમમાંથી આલીશાન જિંદગી જીવતો હોવાથી લાંબા સમય સુધી શંકાના ઘેરામાં આવ્યો નહોતો.

રહમાન ડકૈત તેના નવા શિકારની તલાશમાં સુરત આવ્યો હતો. એ દરમ્યાન જ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી એટલે ટીમે તેના માટે છટકું ગોઠવ્યું હતું. પોલીસને આશા છે કે રહમાન ડકૈતની પૂછપરછ પછી હવે દેશભરમાં ફેલાયેલી તેની ગૅન્ગ અને સહયોગીઓની માહિતી મળતાં અનેક ગુનાઓના વણઊકલ્યા કેસો ઊકલશે. 

gujarat news gujarat surat crime branch Crime News