✕

વાવ–થરાદ જિલ્લાના ચાંગડા ગામે ફૂડ-પૉઇઝનિંગથી ૪૦+ ગાયોનાં મૃત્યુ

12 November, 2026 07:24 AM IST  |  sabarkantha | Gujarati Mid-day Correspondent

બેસતા વર્ષની રાતે બની ઘટના: ૭૫થી વધુ ગાયો પડી બીમાર: ગૌશાળામાં મકાઈનો ચારો ખાધા પછી બનેલી ઘટનાથી ગૌપ્રેમીઓમાં શોકની છવાઈ કાલિમા: મંત્રોચ્ચાર સાથે ગાયોની કરાઈ અંતિમવિધિ: પશુચિકિત્સકોએ ચારાનાં સૅમ્પલ્સ મોકલ્યાં લૅબોરેટરીમાં

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર ગુજરાતના વાવ-થરાદ જિલ્લાના ચાંગડા ગામે આવેલી ગૌશાળામાં બેસતા વર્ષની રાતે એક પછી એક ૪૦થી વધુ ગાયોનાં મોત થતાં ગૌપ્રેમીઓમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. ગૌશાળામાં રહેલી બીજી ગાયોને પશુચિકિત્સકો દ્વારા સારવાર આપીને બચાવી લેવા પ્રયાસો હાથ ધરાયા હતા.  
ચાંગડા ગામે આવેલી શ્રીધરણીધર ગૌશાળામાં ડીસાથી મકાઈનો ચારો આવ્યો હતો. આ ચારો ગૌશાળામાં રહેલી ૭૫થી વધુ ગાયોને ખાવા માટે મૂકવામાં આવ્યો હતો. આ ચારો ખાધા બાદ ગાયોની તબિયત લથડી હતી જેના કારણે ગૌશાળાના વ્યવસ્થાપકોએ પશુઓના ડૉક્ટરને જાણ કરી હતી. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ડૉક્ટરો તેમ જ ગૌપ્રેમીઓ સહિત ગ્રામજનો ગૌશાળામાં દોડી આવ્યા હતા. ડૉક્ટરોએ ગાયોને બચાવી લેવા માટે સારવાર હાથ ધરી હતી. જોકે ગૌશાળાની ૪૦થી વધુ ગાયોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે અન્ય ગાયોની પશુચિકિત્સકોએ સારવાર કરી બચાવી લેવા પ્રયાસો કર્યા હતા અને ચારાનાં સૅમ્પલ્સ તપાસ માટે લૅબોરેટરીમાં મોકલી આપ્યાં હતા. ગૌપ્રેમીઓની ઉપસ્થિતિ વચ્ચે મરણ પામેલી ગાયોની વૈદિક મંત્રોચ્ચાર સાથે અંતિમવિધિ કરાવામાં આવી હતી અને અશ્રુભીની આંખે વિદાય આપી હતી.  

gujarat news gujarat wildlife sabarkantha