રૂપાલની પલ્લીમાં આ વર્ષે ઘીનો અભિષેક ઓછો થયો

17 October, 2021 11:06 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગામમાં પ્રવેશવાના માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા એટલે ભાવિકો ઓછા આવ્યા : આમ છતાં ગામમાં જુદા-જુદા ચોકમાં ફરેલી પલ્લીનાં દર્શન માટે અંદાજે એક લાખ ભાવિકો ઊમટ્યા અને આશરે ૫૦૦ મણ ઘીનો અભિષેક પલ્લી પર થયો

રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લી નીકળી હતી જેના પર ભાવિકોએ ઘીનો અભિષેક કરીને શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યાં હતાં

ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે રૂપાલ ગામે આવેલા વરદાયિની માતાજીના મંદિરથી નવરાત્રિની નોમની રાત્રે પરંપરાગત રીતે પલ્લી નીકળી હતી અને સવારે નિજ મંદિર પાછી ફરી હતી. આ વર્ષે પલ્લીની પરંપરા જળવાઈ રહી હતી, પણ કોરોનાને કારણે રિસ્ટ્રિક્શન કરાતાં પલ્લીમાં ઘીનો અભિષેક ઓછો થયો હતો. જોકે ભાવિકોએ આસ્થા સાથે માતાજીની પલ્લી પર ઘી ચડાવીને દર્શન કર્યાં હતાં અને ઉમંગભેર પલ્લીનો ઉત્સવ ઊજવાયો હતો.

વરદાયિની માતાજી મંદિરના મૅનેજર અરવિંદ ત્રિવેદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નોમની રાત્રે વિધિવત્ માતાજીની પલ્લી નીકળી હતી અને વર્ષોથી ચાલી આવતી પરંપરા જળવાઈ હતી. પલ્લી રાત્રે ત્રણ વાગ્યે નીકળી હતી અને સવારે ૬ વાગ્યે નિજ મંદિર પાછી ફરી હતી. આ વખતે કોરોનાને પગલે રિસ્ટ્રિક્શન કર્યું હતું અને બપોરે ત્રણ વાગ્યાથી ગામમાં પ્રવેશવાના માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા એટલે ભાવિકો ઓછા આવ્યા હતા. આમ છતાં ગામમાં જુદા-જુદા ચોકમાં ફરેલી પલ્લીનાં દર્શન માટે અંદાજે એક લાખ ભાવિકો ઊમટ્યા હતા. આ વર્ષે આશરે ૫૦૦ મણ ઘીનો અભિષેક પલ્લી પર થયો હતો.’

વરદાયિની માતાજીની પલ્લી રૂપાલ ગામમાં ફરી હતી. જુદા-જુદા ચોકમાં પલ્લી ઊભી રહેતાં ભાવિકોએ શ્રદ્ધાપૂર્વક પલ્લી પર ઘીનો અભિષેક કર્યો હતો. જે બાળકોની બાધા હોય એવાં બાળકોને પલ્લી પર ફેરવીને માનતા–બાધા પૂરી કરવામાં આવી હતી. પલ્લી પર ચોખ્ખા ઘીનો અભિષેક થતાં ગામની શેરીઓમાં ઘી વહેતું થયું હતું.

રૂપાલમાં આવેલા મંદિરમાં વરદાયિની માતાજીની મૂર્તિ

gujarat gujarat news shailesh nayak