મિડ-ડેના કૉલમનિસ્ટ હિતેન આનંદપરાને ૨૦૨૬ માટે સાહિત્યસેવાનો પુરસ્કાર

10 June, 2026 08:23 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદમાં પારસ ચંદ્રક પુરસ્કાર સમારોહમાં ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત સર્જકોનું સન્માન

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પાસેથી પુરસ્કાર સ્વીકારતા હિતેન આનંદપરા.

ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રચાર, સંરક્ષણ અને વિકાસ માટે સમર્પિત પારસ ફાઉન્ડેશન આયોજિત પ્રતિષ્ઠિત પારસ ચંદ્રક પુરસ્કાર સમારોહ 2025 અને 2026નું આયોજન અમદાવાદની હોટેલ તાજ સ્કાયલાઇનમાં ગૌરવપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
પારસ ફાઉન્ડેશનના સ્થાપક પારસ પટેલે આવકાર આપતાં જણાવ્યું હતું કે જે સમાજ પોતાના સાહિત્યકારોને સન્માન આપે છે, ઇતિહાસ એક દિવસ એ સમાજને સન્માન આપે છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના અધ્યક્ષ ભાગ્યેશ જહાએ પ્રસંગોચિત્ત ઉદ્બોધનમાં આ પ્રકારના ઉપક્રમની પ્રતિષ્ઠા કરી હતી.

ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પદ્ય, ગદ્ય અને સાહિત્ય સેવા માટે નોંધપાત્ર યોગદાન આપનાર ૧૦ પ્રતિષ્ઠિત સાહિત્યકારોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં શ્રેષ્ઠ સર્જક – પદ્ય, શ્રેષ્ઠ સર્જક – ગદ્ય, શ્રેષ્ઠ યુવા સર્જક – પદ્ય, શ્રેષ્ઠ યુવા સર્જક – ગદ્ય અને સાહિત્ય સેવા માટે પારસ ફાઉન્ડેશન દ્વારા પ્રત્યેક વિજેતાને બે લાખ રૂપિયા તથા પારસ ચંદ્રક અર્પણ કરવામાં આવ્યા હતા.   

સભાને સંબોધતાં રાજ્યપાલે જણાવ્યું હતું કે સાહિત્યકાર એ ઝહળતા દીપક સમાન છે જે સ્વયં પ્રકાશ ફેલાવીને સમાજને સાચી દિશા બાતાવે છે. તેમના હસ્તે જાણીતા કવિ, લેખક, ઉદ્યોગપતિ અને સમાજસેવક પારસ પટેલ રચિત ગુજરાતી વાર્તાસંગ્રહ ‘પારસ પટેલની વાર્તાઓ – ભાગ-૧’નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પદ્‍મશ્રી રઘુવીર ચૌધરી, પદ્‍મશ્રી કુમારપાળ દેસાઈ, પદ્‍મશ્રી રતિલાલ બોરીસાગર તેમ જ અગ્રણી કવિઓ, લેખકો, શિક્ષણવિદો અને સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા.

પારસચંદ્રક પુરસ્કાર 2025

રાજેન્દ્ર શુક્લ – શ્રેષ્ઠ સર્જક (પદ્ય)
પદ્‍મશ્રી કુમારપાળ દેસાઈ – શ્રેષ્ઠ સર્જક (ગદ્ય)
હર્ષવી પટેલ – શ્રેષ્ઠ યુવા સર્જક (પદ્ય)
અજય સોની – શ્રેષ્ઠ યુવા સર્જક (ગદ્ય)
હરદ્વાર ગોસ્વામી – સાહિત્ય સેવા


પારસચંદ્રક પુરસ્કાર 2026

સંજુ વાળા – શ્રેષ્ઠ સર્જક (પદ્ય)
મણિલાલ એચ. પટેલ – શ્રેષ્ઠ સર્જક (ગદ્ય)
અનિલ ચાવડા – શ્રેષ્ઠ યુવા સર્જક (પદ્ય)
મયૂર ખાવડુ – શ્રેષ્ઠ યુવા સર્જક (ગદ્ય)
હિતેન આનંદપરા – સાહિત્ય સેવા

gujarat news gujarati community news gujaratis of mumbai hiten anandpara ahmedabad culture news