રોડ ક્રૉસ કરવો હોય અને ટ્રાફિક હોય તો બટન દબાવીને સિગ્નલને લાલ કરી દો

18 June, 2026 08:59 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદ શહેરમાં રાહદારીઓની સુરક્ષા માટે તેમ જ ટ્રાફિક-વ્યવસ્થાને સુગમ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને આ કાર્ય કર્યું છે.

પેલિકન સિગ્નલનું બટન દબાવીને રસ્તો ક્રૉસ કરવા ટ્રાફિકને અટકાવતી યુવતી.

અમદાવાદમાં રાહદારીઓ માટે આવકારદાયક પહેલ કરવામાં આવી છે. રસ્તા પરથી પસાર થતા રાહદારીએ રસ્તો ક્રૉસ કરવો હોય અને ટ્રાફિક હોય તો તે થાંભલા પરનું બટન દબાવીને ટ્રાફિક અટકાવીને રસ્તો ક્રૉસ કરી શકે એવું પેલિકન સિગ્નલ ચીમનલાલ ગિરધરલાલ (CG) રોડ પર ઇન્સ્ટૉલ કર્યું છે જેની પ્રાયોગિક ધોરણે ટ્રાયલ શરૂ થઈ છે.

અમદાવાદ શહેરમાં રાહદારીઓની સુરક્ષા માટે તેમ જ ટ્રાફિક-વ્યવસ્થાને સુગમ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને આ કાર્ય કર્યું છે. અમદાવાદના સૌથી વ્યસ્ત વિસ્તાર CG રોડ પર મ્યુનિસિપલ માર્કેટ પાસે પ્રાયોગિક ધોરણે પેલિકન ટ્રાફિક સિગ્નલ ઇન્સ્ટૉલ કરવામાં આવ્યું છે. આ નવું સિગ્નલ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને સોંપવામાં આવ્યું છે. આ સિગ્નલના અમલીકરણનું નિરીક્ષણ કરવામાં આવશે. જો ટ્રાયલ સફળ થશે અને યોગ્ય લાગશે તો ટ્રાફિક-પોલીસની જરૂરિયાત મુજબ શહેરનાં અન્ય વ્યસ્ત અને ટ્રાફિકવાળાં સ્થળો પર પણ પેલિકન સિગ્નલ ઇન્સ્ટૉલ કરવામાં આવશે.

પેલિકન સિગ્નલ કેવી રીતે કામ કરે છે ? 
પેલિકન સિગ્નલ રાહદારીઓ માટે ડિઝાઇન કરવામાં આવેલી બટન-ઑપરેટેડ સિગ્નલ સિસ્ટમ છે. 
કોઈ રાહદારીએ રોડ ક્રૉસ કરવો હોય ત્યારે તેણે સિગ્નલના થાંભલા પર લગાવવામાં આવેલું બટન દબાવવાનું રહેશે. 
બટન દબાવતાં સિગ્નલ સિસ્ટમ સક્રિય થશે અને થોડી જ ક્ષણોમાં વાહનો અટકાવવા માટેની લાલ લાઇટ થશે. 
લાલ લાઇટ થતાં રસ્તા પરથી પસાર થતાં વાહનો ઊભાં રહી જશે અને રાહદારીઓ સુર​િક્ષત રીતે રસ્તો ઓળંગી શકશે.  

gujarat news gujarat ahmedabad ahmedabad municipal corporation gujarat government