ગુજરાતમાં શિયાળામાં ચોમાસું બેઠું, માવઠાના મારથી ખેડૂતોની માઠી દશા

28 October, 2025 12:31 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

રાજુલા તાલુકાના ઉચૈયા ગામેથી ૫૦ લોકોને, ભચાદરા ગામેથી ૫૦ લોકોને અને ધારાનાનેસ ગામેથી ૭૦ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

અમરેલી જિલ્લાના રાભડા–કણકોટ માર્ગ પર નદીના પૂરનાં પાણી રસ્તા પર ફરી વળતાં પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અમરેલી જિલ્લાને વરસાદે ધમરોળ્યો : રાજુલા તાલુકામાં બે કલાકમાં ૬ ઇંચ સાથે કુલ ૭ ઇંચ વરસાદ ખાબક્યો : રાજુલા તાલુકાનાં ૩ ગામમાંથી ૧૭૦ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા : સાંજે ૬ વાગ્યા સુધીમાં ૨૦૪ તાલુકામાં પડ્યો વરસાદ : અનેક નાની-મોટી નદીઓમાં પાણી આવ્યાં : ખેતરોમાં વરસાદનાં પાણી ફરી વળતાં ઊભા પાકને નુકસાન

દિવાળીના પર્વ બાદ શિયાળાનો માહોલ જામતો હોય છે ત્યારે ગ્લોબલ વૉર્મિંગના આ સમયમાં તેમ જ અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાને પગલે ગઈ કાલે ગુજરાતમાં શિયાળાની મોસમમાં ચોમાસું બેઠું હોય એવો માહોલ જામ્યો હતો. ઉત્તર હોય કે દક્ષિણ અને સૌરાષ્ટ્ર હોય કે મધ્ય ગુજરાત હોય, ગુજરાતમાં અનેક ઠેકાણે હળવાથી લઈને ભારે કમોસમી વરસાદ પડ્યો હતો. એમાં પણ અમરેલી જિલ્લાને મેઘરાજાએ ધમરોળ્યો હતો. રાજુલા તાલુકામાં બે કલાકમાં ધોધમાર ૬ ઇંચ સાથે કુલ ૭ ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાજુલા તાલુકાનાં ૩ ગામમાંથી ૧૭૦ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોની માઠી દશા બેઠી છે.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં વહેલી સવારથી જ સાંબેલાધાર વરસાદ પડવાનો શરૂ થઈ ગયો હતો. રાજુલામાં સવારે છથી ૮ વાગ્યાના બે કલાકમાં ૧૫૬ મિલીમીટર એટલે કે ૬ ઇંચથી વધુ વરસાદ પડતાં રાજુલા પંથક પાણી-પાણી થઈ ગયો હતો. રાજુલા ઉપરાંત અમરેલી જિલ્લાના લીલિયામાં સાડાચાર ઇંચ, સાવરકુંડલામાં ૪ ઇંચ જેટલો, ખાંભામાં પોણાચાર ઇંચથી વધુ અને જાફરાબાદમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. 

રાજુલા તાલુકાના ઉચૈયા ગામેથી ૫૦ લોકોને, ભચાદરા ગામેથી ૫૦ લોકોને અને ધારાનાનેસ ગામેથી ૭૦ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

અમરેલી જિલ્લામાં ભારે વરસાદના પગલે રામતલિયુ નદી પાસેના રાભડા–કણકોટ જવાના માર્ગ પર નદી પાસેની દીવાલ તૂટી જતાં રસ્તાનો ભાગ ધોવાઈ ગયો હતો. જોકે કોઈ મુશ્કેલી સર્જાય એ પહેલાં અહીં પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં રામપરા ગામ પાસેથી પસાર થતી ધાતરવાડી નદીમાં પૂર આવતાં એક જીપ અને બાઇક એમાં ખેંચાઈ ગયાં હતાં. જોકે ગામવાસીઓએ દોરડાની મદદથી જીપ અને બાઇકના ચાલકને બહાર કાઢીને બચાવી લીધા હતા. 

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં સાડાચાર ઇંચ, ગીર ગઢડા તાલુકામાં ૪ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. 

ગુજરાતમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, મોરબી, જામનગર, જૂનાગઢ, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, તાપી, વલસાડ, નવસારી જિલ્લામાં હળવાથી લઈને ભારે વરસાદ પડ્યો હતો.  

સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૨૦૪ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. ૪૭ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને ૧૬ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
વરસાદના પગલે અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયાં હતાં તો ખેતરોમાં વરસાદનાં પાણી ફરી વળ્યાં હતાં જેને કારણે ડાંગર, મગફળી, કપાસ, ડુંગળી, જુવાર સહિતના પાકનું ધોવાણ થયું હતું.

Gujarat Rains ahmedabad gujarat monsoon news Weather Update indian meteorological department