મેક ઇન ઇન્ડિયામાં એક નવો અધ્યાય, વિદેશમાં દોડતી ઇલેક્ટ્રિક કાર પર પણ હવે મેક ઇન ઇન્ડિયા લખેલું હશે

27 August, 2025 12:22 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

નરેન્દ્ર મોદીએ ગઈ કાલે અમદાવાદમાં હાઇબ્રિડ બૅટરી ઇલેક્ટ્રોડ બનાવવા માટેના પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું

સુઝુકી મોટર્સના પ્રેસિડન્ટ તોશિહિરો સુઝુકી પાસેથી ઈ-કારની ટેક્નૉલૉજી વિશે સમજી રહેલા નરેન્દ્ર મોદી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ગુજરાતમાં દેશની સૌથી મોટી ઑટોમેકર મારુતિ સુઝુકીના પ્લાન્ટમાંથી પહેલા ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ઈ-વિટારાને લીલી ઝંડી દેખાડી હતી. આ પ્રસંગે નરેન્દ્ર મોદીની સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને મારુતિ સુઝુકીના પ્રમુખ તોશિહિરો સુઝુકી પણ ઉપસ્થિત હતા. 

મારુતિની આ પહેલી ઇલેક્ટ્રિક કાર છે જે સંપૂર્ણપણે ભારતમાં બની છે. ભારતમાં બનેલી ઈ-વિટારાની યુરોપ અને જપાન સહિત ૧૦૦થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે, જેનાથી ભારત સુઝુકીનું વૈશ્વિક EV ઉત્પાદન-કેન્દ્ર બનશે. આ પ્રોજેક્ટ બૅટરી ઇલેક્ટ્રિક વ્હીકલ (BEV) નિકાસ કરવાનો માર્ગ ખોલે છે. આ કારણોસર નરેન્દ્ર મોદીએ આ દિવસને ભારતની આત્મનિર્ભરતા તરફ ખાસ દિવસ ગણાવ્યો હતો. 

બૅટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન
નરેન્દ્ર મોદીએ ગઈ કાલે અમદાવાદમાં હાઇબ્રિડ બૅટરી ઇલેક્ટ્રોડ બનાવવા માટેના પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. TDS લિથિયમ-આયન બૅટરી પ્લાન્ટમાં હાઇબ્રિડ બૅટરી ઇલેક્ટ્રોડનું સ્થાનિક ઉત્પાદન થશે. આ પ્લાન્ટ તોશિબા, ડેન્સો અને સુઝુકી (TDS) સાથે ભાગીદારીમાં બનાવવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીએ તેમની પોસ્ટમાં લખ્યું હતું કે ભારતની બૅટરી ઇકોસિસ્ટમને મોટો વેગ આપતા હાઇબ્રિડ બૅટરી ઇલેક્ટ્રોડનું ઉત્પાદન પણ ગુજરાતમાં શરૂ થઈ રહ્યું છે.

૮૦ ટકા બૅટરી ભારતમાં બનશે
સરકાર દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર આ પગલાથી હવે ૮૦ ટકાથી વધુ બૅટરી ભારતમાં જ બનશે. ભારતને ગ્રીન મોબિલિટીનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા અને મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના વડા પ્રધાનના સંકલ્પને વધુ મજબૂત બનાવવા તરફ આ એક મોટું પગલું છે.

વડા પ્રધાને બીજું શું કહ્યું?
મેક ઇન ઇન્ડિયામાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. હવે વિદેશમાં દોડતી ઇલેક્ટ્રિક કાર પર પણ મેક ઇન ઇન્ડિયા લખેલું હશે. ગણેશોત્સવની ખુશીમાં એક નવો અધ્યાય ઉમેરવામાં આવી રહ્યો છે. ભારતને વસ્તીવિષયક ફાયદો છે. આપણી પાસે કુશળ કાર્યબળનો મોટો સમૂહ છે જે આપણા બધા ભાગીદારો માટે વિન-વિન સિચુએશન બનાવે છે.

જપાનની સુઝુકી કંપની ભારતમાં કારનું ઉત્પાદન કરી રહી છે. અહીં બનતી કારને જપાનમાં નિકાસ કરવામાં આવી રહી છે. એક રીતે મારુતિ સુઝુકી કંપની મેક ઇન ઇન્ડિયાની બ્રૅન્ડ ઍમ્બૅસૅડર બની છે.

મને કોઈના પૈસા સાથે કોઈ લેવાદેવા નથી - પછી ભલે એ ડૉલર હોય કે પાઉન્ડ હોય કે અન્ય કોઈ ચલણ. જોકે આમાંથી જે પણ ઉત્પાદન થશે એમાં મારા દેશવાસીઓનો પરસેવો હશે, જે પણ ઉત્પાદન થશે એમાં મારા દેશની માટીની સુગંધ હશે.

આજે આખી દુનિયા ભારત તરફ જોઈ રહી છે. આવા સમયે કોઈ પણ રાજ્ય પાછળ ન રહેવું જોઈએ. દરેક રાજ્યએ આ તકનો લાભ લેવો જોઈએ. ભારતમાં આવતા રોકાણકારો એટલા મૂંઝવણમાં હોવા જોઈએ કે તેઓ વિચારે કે આ રાજ્યમાં જવું કે પેલા રાજ્યમાં.

હું બધાં રાજ્યોને આમંત્રણ આપું છું કે આવો, સુધારા માટે સ્પર્ધા કરો, વિકાસતરફી નીતિઓ માટે સ્પર્ધા કરો અને સુશાસન માટે સ્પર્ધા કરો. સ્વદેશી તરફ ગર્વથી આગળ વધો. મને તમારા સમર્થનની જરૂર છે. આપણે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવીશું.

narendra modi ahmedabad gujarat news gujarat india automobiles