05 June, 2026 09:05 AM IST | Surat | Gujarati Mid-day Correspondent
ચિત્રકારોએ બનાવેલાં ઇકો-ફ્રેન્ડ્લી હોર્ડિંગ્સ
આજે વિશ્વ પર્યાવરણ દિવસે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે ત્યારે પર્યાવરણ દિવસને લઈને અનોખું આયોજન કરાયું છે. નરેન્દ્ર મોદીના સ્વાગત માટે દક્ષિણ ગુજરાતના ૪૮ ચિત્રકારોએ ઇકો-ફ્રેન્ડ્લી હૅન્ડમેડ હોર્ડિંગ્સ બનાવ્યાં છે.
હોર્ડિંગ્સ બનાવતા ચિત્રકારો
કલા પ્રતિષ્ઠાનના અધ્યક્ષ રમણિક જાપડિયાએ કહ્યું હતું કે ‘વડા પ્રધાનના પર્યાવરણ સંવર્ધન અને સ્વચ્છતા અભિયાનના મેસેજને વેગવંતો કરવા એક અનોખી પહેલ કરી છે. સુરત, ભરૂચ, બારડોલી, નવસારી, વાપી અને વલસાડ સહિતના જિલ્લાઓમાંથી ૪૮ કલાકારોએ ૩ દિવસમાં પર્યાવરણને અનુકૂળ હોર્ડિંગ્સ અને પોસ્ટર તૈયાર કર્યાં છે જેમાં ૧૦ ફુટ ઊંચાં અને ૧૦ ફુટ પહોળાં ૪૦ તેમ જ ૧૦ ફુટ ઊંચાં અને ૧૫ ફુટ પહોળાં ૨૦ મળીને કુલ ૬૦ હોર્ડિંગ્સ અને પોસ્ટરો થીમ આધારિત બનાવ્યાં છે. આ કળાની વિશેષતા એ છે કે એને માંજરપાટ એટલે કે શુદ્ધ સુતરાઉ કાપડ પર કંડારવામાં આવી છે. ચિત્રોને જીવંત કરવા માટે હાનિકારક કેમિકલયુક્ત રંગોના બદલે નુકસાનરહિત વૉટર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પોસ્ટર અને હોર્ડિંગ્સ દ્વારા ગ્રીન એનર્જી, પર્યાવરણ સંવર્ધન, મેટ્રો રેલ પ્રોજેક્ટ, સોલર એનર્જી, સ્વચ્છતા અભિયાન અને કન્યા કેળવણી સહિતના સંદેશ આપવામાં આવ્યા છે. પ્લાસ્ટિક પ્રદૂષણ સામે લડવા અને પ્રકૃતિને બચાવવા માટેનો આ કલાત્મક પ્રયાસ એક નવી દિશા ચીંધનારો સાબીત થશે.’