વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચેનું અંતર ઓછું કરશે

01 October, 2022 09:34 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

આ ટ્રેન હવે વધુમાં વધુ સાડાપાંચ કલાકમાં જ અમદાવાદથી મુંબઈ પહોંચાડી દેશે, વડા પ્રધાને ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અને અમદાવાદમાં મેટ્રો રેલનું લોકાર્પણ કર્યું, ગાંધીનગરથી ટ્રેનમાં બેસી અમદાવાદ અને મેટ્રો રેલમાં બેસી સભાસ્થળેપહોંચ્યા

‘વંદે ભારત’ એક્સપ્રેસ ટ્રેનમાં કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશ, સંસદસભ્ય ડૉ. કિરીટ સોલંકી, પીએમ નરેન્દ્ર મોદી, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્યસભાના સભ્ય નરહરિ અમીન, પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને સંસદસભ્ય હસમુખ પટેલ (તસવીર : એ.એન.આઇ.)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ગાંધીનગરથી વંદે  ભારત એક્સપ્રેસ ટ્રેન અને અમદાવાદમાં મેટ્રો રેલનું લોકાર્પણ કર્યું હતું અને કહ્યું હતું કે ‘અમદાવાદ અને મુંબઈ વચ્ચે શરૂ થયેલી વંદે  ભારત ટ્રેન બે મોટાં શહેરો વચ્ચેની સફરને આરામદાયક બનાવશે તેમ જ અમદાવાદ અને મુંબઈ વચ્ચેની દૂરી ઓછી કરશે. વંદે  ભારત ટ્રેન વધુમાં વધુ સાડાપાંચ કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચાડી દેશે.’

રફતારનો ડબલ ડોઝ ગઈ કાલે અમદાવાદ સહિત ગુજરાત અને મુંબઈને મળ્યો છે. નરેન્દ્ર મોદીએ ગાંધીનગરથી વંદે  ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી અને એમાં બેસીને અમદાવાદ આવ્યા હતા. અહીં કાલુપુર રેલવે સ્ટેશનથી મેટ્રો રેલને લીલી ઝંડી બતાવીને એમાં બેસી દૂરદર્શન કેન્દ્ર પાછળના મેદાનમાં આયોજિત સભા સ્થળે પહોંચ્યા હતા. તેમની સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સ્થાનિક સંસદ સભ્યો, વિદ્યાર્થીઓ અને રેલવેના અધિકારીઓ ટ્રેનમાં ટૂંકી સફર કરી હતી.  

અમદાવાદમાં આયોજિત સભામાં નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘૧૮૦ કિલોમીટરની પ્રતિ કલાક સુધીની રફતાર પકડનારી આ ટ્રેનો ભારતીય રેલવેની દશા બદલશે, દિશા બદલશે. આ મારો પૂરો વિશ્વાસ છે. આવતા ઑગસ્ટ સુધીમાં ૭૫ વંદે  ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવવાના લક્ષ્ય પર તેજીથી કામ કરી રહ્યા છીએ. ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. આજે ૨૧મી સદીના ભારત માટે અર્બન કને​ક્ટિવિટી માટે અને આત્મનિર્ભર થતા ભારત માટે એક બહુ મોટો દિવસ છે. વંદે  ભારત એક્સપ્રેસ ટ્રેનની તેજ-રફતાર સફરનો અનુભવ કર્યો. આ મારા માટે બહુ ગર્વથી ભરેલી ક્ષણો હતી. આ દેશની ત્રીજી અને ગુજરાતની પહેલી વંદે  ભારત એક્સપ્રેસ ટ્રેન છે.’

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે કાળુપુર રેલવે સ્ટેશનથી મેટ્રો રેલને લીલી ઝંડી બતાવ્યા બાદ એમાં બેસીને દૂરદર્શન કેન્દ્રની પાછળના મેદાનમાં આયોજિત સભાસ્થળે પહોંચ્યા હતા.

તેમણે કહ્યું હતું કે ‘૨૧મી સદીના ભારતને દેશનાં શહેરોથી નવી ગતિ મળવાની છે. બદલાતા સમય અને બદલાતી જરૂરિયાતોની સાથે પોતાનાં શહેરોને નિરંતર આધુનિક બનાવવાં જરૂરી છે. શહેરમાં ટ્રાન્સપોર્ટની સિસ્ટમ આધુનિક હોય, સીમલેસ કને​ક્ટિવિટી હોય, યાતાયાતનાં સાધન બીજાને સપોર્ટ કરે એ કરવું આવશ્યક છે. આઠ વર્ષમાં એક પછી એક દેશનાં બે ડઝનથી વધુ શહેરોમાં મેટ્રો શરૂ થઈ ચૂકી છે કે પછી તેજીથી કામ ચાલી રહ્યું છે. દેશનાં શહેરોના વિકાસ પર આટલું વધુ ફોકસ – નિવેશ એટલા માટે કરાય છે કે આ શહેર આવનારાં ૨૫ વર્ષમાં વિકસિત ભારતના નિર્માણને સુનિશ્ચિત કરનારાં છે. અમદાવાદ, સુરત, વડોદરા, ભોપાલ, ઇન્દોર, જયપુર આ બધાં શહેરો હિન્દુસ્તાનનાં ૨૫ વર્ષના ભાગ્યને ઘડનાર છે.’

ટ્વિન સિટીના સંદર્ભમાં વાત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ટ્વીન સિટીનો વિકાસ કેવી રીતે થાય છે એનું ઉત્તમ ઉદાહરણ ગાંધીનગર અમદાવાદ છે. આવનારા સમયમાં ગુજરાતમાં અનેક ટ્વીન સિટીના વિકાસનો આધાર તૈયાર થઈ રહ્યો છે.’

મેટ્રો રેલના ટ્રૅકની વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘૩૨ કિલોમીટર લાંબો મેટ્રો ટ્રૅક શરૂ થયો છે. આટલો લાંબો ટ્રૅક દેશમાં પહેલી વાર અમદાવાદમાં બન્યો છે જે એક રેકૉર્ડ છે.’

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘હું ગુજરાતને રિક્વેસ્ટ કરું છું અને ઇચ્છું છું કે ધોરણ ૯, ૧૦, ૧૧ અને ૧૨નાં બાળકો, એન્જિનિયરિંગના સ્ટુડન્ટસને મેટ્રોની મુસાફરી કરવા લઈ જજો અને મેટ્રોવાળા સાથે વાત કરીને અધ્યયન કરજો કે આટલી ઊંડી ખોદાઈ કરી, આવડી મોટી ટનલ કેવી રીતે બની, રેલવે સ્ટેશન કેવી રીતે બન્યાં, કામ કેટલા સમયમાં થયું, કઈ-કઈ ટેક્નૉલૉજીથી થયું અને કેવી રીતે કામ થયું એ જાણે. આ જોઈને દેશ માટે કંઈક કરવાની ભાવના પેદા થશે. આંદોલનમાં આવી પ્રૉપર્ટી પર હાથ લગાવવાની કોશિશ નહીં કરે. મેટ્રો માત્ર સફર નહીં, સફળતા માટે કામ આવવી જોઈએ.’

gujarat gujarat news narendra modi ahmedabad shailesh nayak