મોદીએ સુરતના શ્રમનો મહિમા કર્યો, ભાવનગરમાં વિશ્વાસ વ્યક્ત કર્યો

30 September, 2022 09:10 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

બે દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સુરત અને ભાવનગરમાં વિવિધ વિકાસ પ્રકલ્પોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યાં : બન્ને શહેરોમાં યોજાયેલા રોડ-શોમાં ઊમટ્યા કાર્યકરો–નાગરિકો

સુરતમાં ગઈ કાલે આયોજિત રોડ-શોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો અને એને જોઈ રહેલા લોકો

ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સુરત માટે ગૌરવ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ શહેર શ્રમનું સન્માન કરનારું શહેર છે, જ્યારે ભાવનગરમાં વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ભાવનગરનું આ પોર્ટ આત્મ નિર્ભર ભારતના નિર્માણમાં મોટી ભૂમિકા નિભાવશે અને રોજગારીના સેંકડો નવા અવસર અહીં બનશે. 

નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સુરત અને ભાવનગરમાં વિવિધ વિકાસ પ્રકલ્પોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યાં હતાં. આ બન્ને શહેરમાં વડા પ્રધાનનો રોડ-શો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો ઊમટ્યા હતા. સુરતમાં તેમણે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના કાર્યની પ્રસંશા કરી હતી. સુરતમાં નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ ખુલ્લી જીપમાં બેસીને સભામંડપમાંથી પસાર થયા હતા અને ઉપસ્થિતિનું અભિવાદન જીલતાં સ્ટેજ સુધી પહોંચ્યા હતા.

ભાવનગરમાં ગઈ કાલે જાહેર કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તથા ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ

સુરતમાં શહેરના વિકાસની સરાહના કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ શહેરમાં ટૅલન્ટની કદર થાય છે, પ્રગતિની આકાંક્ષાઓ પૂરી થાય છે, આગળ વધવાનાં સપનાં સાકાર થાય છે. સૌથી મોટી વાત, જો વિકાસની દોડમાં કોઈ પાછળ છૂટી જાય એને આ શહેર વધુ મોકો આપે છે, તેનો હાથ પકડીને આગળ લઈ જવાનો પ્રયાસ કરે છે. સુરતની આ ​સ્પિરિટ આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણ માટે બહુ મોટી પ્રેરણા છે. સુરત સાચા અર્થમાં સેતુઓનું શહેર છે. જે માનવીયતા, રાષ્ટ્રીયતા અને સમૃ​દ્ધિની ખાઈઓને પાર કરીને જોડવાનું કામ કરે છે. સુરત શહેર લોકોની એકજુટતા અને જનભાગીદારીનું બહુ જ શાનદાર ઉદાહરણ છે. હિન્દુસ્તાનનો કોઈ પ્રદેશ એવો નહીં હોય કે ત્યાંના લોકો સુરતની ધરતી પર ન રહેતા હોય. એક પ્રકારથી સુરત મિની હિન્દુસ્તાન છે.

તેમણે કહ્યું હતું કે વિકાસની રાહ પર ચાલતા સુરતે પહેલાં ડાયમન્ડ સિટી, ગ્રિન સિટી, ટેક્સટાઇલ સિટી બાદ હવે ક્લીન સિટી અને સ્માર્ટ સિટી તરીકે ઓળખ બનાવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઇલે​ક્ટ્રિક વાહનના વપરાશને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે એવા સમયે સુરતમાં ૨૫ ચાર્જિંગ સ્ટેશન શરૂ થયાં છે અને હજી ૫૦૦ સ્ટેશન શરૂ કરાશે. સુરતમાં આગામી સમયમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનાં ૮૦ ટકા વાહનો ઇલે​ક્ટ્રિક થશે એટલે સુરત ઇલેક્ટ્રિક વેહિકલ સિટી તરીકે પણ ઓળખાશે. હવે ડ્રીમ સિટી પ્રોજેક્ટ પૂર્ણ થતાં સુરત સમગ્ર વિશ્વમાં ડાયમન્ડ ટ્રેડ સેન્ટર તરીકે વિકસિત થશે.

અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં નવરાત્રિની ઉજવણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી. તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હતા

સુરતથી નરેન્દ્ર મોદી ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરમાં જાહેરસભાને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ભાવનગર સમુદ્રકિનારે વસેલો જિલ્લો છે. ગુજરાત પાસે દેશની સૌથી મોટી કોસ્ટલ લાઇન છે, પણ આઝાદી પછી કેટલાય દશકોમાં તટીય વિકાસ પર એટલું ધ્યાન નહીં આપવાના કારણે આ વિશાળ કોસ્ટલ લાઇન એક રીતે લોકો માટે મોટો પડકાર બની ગઈ. સમુદ્રનું ખારું પાણી અહીંના માટે અભિશાપ બન્યું. સમુદ્રકિનારે વસેલાં ગામોનાં ગામો ખાલી થઈ ગયાં. લોકો હીજરત કરવા લાગ્યા. કેટલાય નવજવાનો સુરત જતા હતા. ત્યાં એક રૂમમાં દસ-પંદર-વીસ લોકો જેમતેમ ગુજારો કરતા. આ સ્થિતિ બહુ દુખદ હતી. છેલ્લા બે દશકામાં ગુજરાતની કોસ્ટલ લાઇનને ભારતની સમૃ​દ્ધિનો દ્વાર બનાવવા અમે ઇમાનદારીથી પ્રયાસ કર્યો. રોજગારના નવા અનેક અવસર ઊભા કર્યા. ગુજરાતમાં અનેક પોર્ટ વિકસિત કર્યાં. ગુજરાતમાં આજે ત્રણ મોટી એલએનજી ટર્મિનલ છે. પેટ્રો કેમિકલ હબ છે. આજે ગુજરાતની કોસ્ટલ લાઇન દેશના આયાત નિકાસમાં બહુ મોટી ભૂમિકા નિભાવવાની સાથે લાખો લોકોના રોજગારનું માધ્યમ બની છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોઈ પણ જાતનો શોરબકોર કર્યા વગર, મોટી-મોટી વિજ્ઞાપન પાછળ પૈસા બરબાદ કર્યા વગર આ બધાં કામો થઈ રહ્યાં છે, કેમ કે અમારી પ્રેરણા અને લક્ષ્ય ક્યારેય પણ સત્તા સુખ નથી રહ્યું. અમે હંમેશાં સત્તાને સેવાનું માધ્યમ માનીએ છીએ. આ અમારો સેવાનો યજ્ઞ ચાલી રહ્યો છે. હવે એ દિવસ દૂર નહીં હોય કે અમદાવાદથી ધોલેરા, ભાવનગર આખો વિસ્તાર વિકાસની નવી-નવી ઊંચાઈને પ્રાપ્ત કરનાર છે.

સૌની યોજનાની વાત કરતાં તેમણે કહ્યું હતું કે અમે વચનના પાક્કા છીએ, સમાજ માટે જીવનારા લોકો છીએ.

તેમણે એમ પણ કહ્યું હતું કે હું મોડો આવ્યો, પણ ખાલી હાથે આવ્યો નથી.

નવરા​​​ત્રિનું વ્રત ચાલતું હોય ત્યારે સુરત આવવું કઠિન લાગે છેઃ મોદી

તમામ સમુદાયના લોકોએ પીએમને સુરતમાં આવકાર્યા હતા

સુરતમાં વડા પ્રધાનની ઝાંખી મેળવવા લોકો ઘરની ટેરેસ પર ચડી ગયા હતા

ગુજરાતના પ્રવાસે આવેલા નરેન્દ્ર મોદીએ સુરત અને ભાવનગરની વાનગીઓ અને ખાનપાન વિશે હળવાશમાં વાત કરી હતી અને નવરાત્રિના ઉપવાસને કારણે આ બન્ને શહેરમાં તેઓ ફેમસ વાનગીઓનો સ્વાદ નહીં માણી શકે એવું જણાવ્યું હતું.

સુરતમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે નવરાત્રિ સમયે મારા જેવી વ્યક્તિને સુરત આવવાનું આનંદદાયક છે, પણ નવરા​​​ત્રિનું વ્રત ચાલતું હોય ત્યારે સુરત આવવું કઠિન લાગે છે. સુરત આવો અને સુરતી ખાવાનું ખાધા વગર જાઓ?

સુરતીઓના ખાનપાનને લઈને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સુરતીલાલાને મોજ કર્યા વગર ન ચાલે અને બહારથી આવનારો માણસ પણ જોતજોતામાં સુરતીલાલાના રંગે રંગાઈ જાય. હું તો કાશીનો એમપી છું એટલે લોકો રોજ મને સંભળાવે કે સુરતનું જમણ અને કાશીનું મરણ.

ભાવનગરના ગાંઠિયાને યાદ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગાંઠિયાને યાદ કરું તો હરિસિંહદાદા યાદ આવે. મને ગાંઠિયા ખાવાનું હરિસિંહદાદાએ શિખવાડ્યું હતું. નવરાત્રિનું વ્રત ચાલે છે એટલે હમણાં બધું નકામું.

gujarat gujarat news narendra modi shailesh nayak