04 July, 2026 09:35 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના વતન ગુજરાતની મુલાકાત લેશે. ત્યાં તેઓ સેમી-કન્ડક્ટરના હબ તરીકે ઊભરી રહેલા સાણંદમાં સેમી-કન્ડક્ટર પ્લાન્ટમાં ચિપના વ્યાવસાયિક ઉત્પાદનનું ઉદ્ઘાટન કરશે.
નરેન્દ્ર મોદી સાણંદમાં ત્રીજી વખત આવી રહ્યા છે. આજે તેઓ ઉદ્ઘાટન બાદ આઉટસોર્સ્ડ સેમી-કન્ડક્ટર ઍસેમ્બલી અને ટેસ્ટ (OSAT) સુવિધામાં વિવિધ સેમી-કન્ડક્ટર પ્રક્રિયાઓનું નિરીક્ષણ કરશે તેમ જ સભા સંબોધશે.
ઉલ્લેખનીય છે કે ભારતના સેમી-કન્ડક્ટર મિશન અંતર્ગત આ પ્રોજેક્ટને કેન્દ્રીય કૅબિનેટ દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૪માં મંજૂરી આપવામાં આવી હતી. સી. જી. પાવર ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ સૉલ્યુશન લિમિટેડની સબસિડિયરી કંપની સી.જી. સેમી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ૭૬૦૦ કરોડ રૂપિયાના ખર્ચે સાણંદમાં OSAT સુવિધા શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ શરૂ થવાથી સાણંદમાં
સેમી-કન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે તેમ જ સ્થાનિક આર્થિક વિકાસને વધુ વેગ મળશે.