31 October, 2026 07:25 AM IST | Banaskantha | Gujarati Mid-day Correspondent
ભીલડીમાં નરેન્દ્ર મોદીએ સભા સંબોધી હતી.
બનાસકાંઠા જિલ્લાના ભીલડીમાં રાષ્ટ્રીય કક્ષાના PM કિસાન ઉત્સવ દિનની ઉજવણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ૧૪,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ભીલડીમાં નરેન્દ્ર મોદીએ ગઈ કાલે રોડ-શો કર્યો ત્યારે અને પછી સભાને સંબોધન કર્યું ત્યારે અનેક લોકો હાથમાં પ્લૅકાર્ડ લઈને આવ્યા હતા જેમાં લખ્યું હતું કે ‘મોદી કહીં નહીં જાએગા’. તાજેતરમાં કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીના પિતાના નામે અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો એ પછી BJPએ ‘મોદી કહીં નહીં જાએગા’ શબ્દો ધરાવતું એક રૅપ-સૉન્ગ રિલીઝ કર્યું હતું. આ ગીતના જ શબ્દો પરથી લોકોએ પ્લૅકાર્ડ બનાવ્યું હતું.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ભીલડીમાં ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કક્ષાના પ્રધાનમંત્રી (PM) કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ ૧૪,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ-પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને કહ્યું હતું કે અમારી સરકારે હંમેશાં ખેડૂતોના કલ્યાણ અને સશક્તીકરણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. સભાસ્થળે બેસવા માટે પાથરવામાં આવેલા ખાટલાઓ વિશે તેમણે કહ્યું હતું કે બનાસકાંઠાએ વટ પાડી દીધો હોં, દુનિયામાં આવડી મોટી ખાટલાસભા ક્યારેય નહીં થઈ હોય.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં PM કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪મા હપ્તાની રકમ દેશભરના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ ઉપરાંત ભારત બોવાઇન બ્રીડિંગ ઍન્ડ રિસર્ચ સેન્ટર, બનાસ ડેરીના થરાદ અને રાધનપુર ખાતે બે નવા કૉમ્પ્રેસ્ડ બાયોગૅસ પ્લાન્ટ સહિતના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમ જ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
નરેન્દ્ર મોદીએ ભીલડીથી અમદાવાદ–વારાણસી સાબરમતી એક્સપ્રેસ અને મહેસાણા–બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. મહેસાણા–બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેન શરૂ થતાં હવે રેલવે દ્વારા પણ અમદાવાદથી યાત્રાધામ બહુચરાજી જઈ શકાશે.
ભીલડીમાં યોજાયેલી સભામાં લોકોએ ખાટલામાં બેસીને નરેન્દ્ર મોદીને સાંભળવાનો લહાવો લીધો હતો. બેસવા માટે સભામાં ખાટલા પાથર્યા હોવાથી પશુપાલકો અને ખેડુતોને સુગમતા રહી હતી એટલું જ નહીં, નેતાઓ પણ ખાટલામાં બેઠા હતા.
પશુપાલકો અને ખેડૂતો સહિત નેતાઓએ પણ ખાટલામાં બેસીને નરેન્દ્ર મોદીને સાંભળ્યા હતા.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘દેશના લોકો માટે પણ અજૂબો હશે કે સભામાં બધા લોકો ખાટલામાં બેઠા છે. અમારા ગામની આ મહાન પરંપરાને આજે અમારા બનાસકાંઠાએ જીવંત કરી દીધી છે. જો પહેલેથી તમે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડવાળાઓને કહ્યું હોત તો આજે એક રેકૉર્ડના રૂપમાં એને સામેલ કરી દેત.’
ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયા કૉલોની, એકતાનગર ખાતે આજે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એકતા દિવસની ઉજવણી થશે.
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી પ્રસંગે આયોજિત એકતા દિવસની ઉજવણી અંતર્ગત નરેન્દ્ર મોદી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી એકતાનગરથી ૪૨૬.૭૧ કરોડ રૂપિયાના પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ૩૧ જેટલાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. એમાં એકતાનગરમાં રેઇન ફૉરેસ્ટ, ઇકો-ટ્રેઇલ, એકતા ક્રૂઝ સહિતનાં પ્રવાસન આકર્ષણો તેમ જ હોટેલનો સમાવેશ થાય છે.
એકતા દિવસ અંતર્ગત આજે સાંજે ૫.૩૦ વાગ્યે એકતાનગર ખાતે એકતા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં પોલીસ અને સુરક્ષા-દળોની પરેડ તથા વિવિધ ટૅબ્લો આકર્ષણનું કેન્દ્ર બનશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કૅબિનેટ કમિટી ઑન સિક્યૉરિટી (CCS)ની બેઠકમાં ભારતીય નૌકાદળ માટે ૮ નેક્સ્ટ જનરેશન કૉર્વેટ (યુદ્ધજહાજ) બનાવવાના ૪૦,૦૦૦ કરોડ રૂપિયાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આગામી સમયમાં કલકત્તાસ્થિત ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ ઍન્ડ એન્જિનિયર્સ (GRSE) અને ગોવા શિપયાર્ડ લિમિટેડ (GSL) સાથે આ મહત્ત્વના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. કમિટીની બેઠકમાં આ ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો.
૨૦૦૦ ટન વજન ધરાવતું દરેક જહાજ આશરે ૩૦ નૉટ્સની મહત્તમ ઝડપે દરિયામાં દુશ્મનોનો સામનો કરવા સક્ષમ હશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૩૦ સુધીમાં નૌકાદળને પહેલું નેક્સ્ટ જનરેશન જહાજ સોંપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. જોકે આ નિર્માણકાર્યને વધુ ઝડપી બનાવવાના પ્રયાસો પણ ચાલુ છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN)નો ૨૪મો હપ્તો ગઈ કાલે ખેડૂતોનાં બૅન્ક-ખાતાંમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ભીલડીમાં એક બટન દબાવીને દેશના ૯.૩૪ કરોડ ખેડૂતોનાં બૅન્ક-ખાતાંમાં ડાયરેક્ટ બેનફિટ ટ્રાન્સફર (DBT) માધ્યમથી ૨૦૦૦-૨૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. કુલ ૧૮,૬૮૦ કરોડ રૂપિયા ખેડૂતોનાં ખાતાંમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ દેશના પાત્ર ખેડૂતોને દર વર્ષે દર ૪ મહિને ૨૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. વર્ષમાં કુલ ૬૦૦૦ રૂપિયા આપવામાં આવે છે.