01 November, 2026 07:33 AM IST | vadodara | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે એકતાનગરના પરેડ ગ્રાઉન્ડમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં નરેન્દ્ર મોદી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ઉઠાવ્યા સવાલ
કોણ વિદેશમાં ગુપ્ત રૂપથી કોને મળી રહ્યું છે? ભારતવિરોધી તાકાતો કોને સમર્થન આપી રહી છે? કોણ ભારતના દુશ્મનોની ભાષા બોલી રહ્યું છે?
ગુજરાતના નર્મદા જિલ્લામાં એકતાનગર, સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતી પ્રસંગે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ હતી. એકતા દિવસની ઉજવણીમાં નરેન્દ્ર મોદીએ વિરોધ પક્ષોને આડે હાથ લઈને વાક્પ્રહાર કરતાં આક્ષેપ કર્યો હતો કે ‘દેશમાં વિરોધ પક્ષ પોતાનું કર્તવ્ય ત્યાગીને વિરોધને બદલે અવરોધ પક્ષ બની ચૂક્યો છે, પણ ભારત હવે રોકાશે નહીં. એક ભારત, શ્રેષ્ઠ ભારતનો મંત્ર અને વિકસિત ભારતનું લક્ષ્ય હવે આ ભારતના અટલ સંકલ્પ બની ચૂક્યા છે.’
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે...
સરદાર પટેલ, બાબાસાહેબ આંબેડકર જેવી મહાન વિભૂતિઓએ જ્યારે દેશના સંવિધાનનું નિર્માણ કર્યું ત્યારે તેમણે સત્તા પક્ષ અને વિરોધ પક્ષની વ્યવસ્થા બનાવી, આ વ્યવસ્થાનું મહત્ત્વ પણ સમજાવ્યું. લોકતંત્રમાં વિરોધ પક્ષનું દાયિત્વ સરકારની નીતિઓનો વિરોધ કરવાનું છે. જોકે આ અમારું દુર્ભાગ્ય છે કે આ સમયે દેશમાં વિરોધ પક્ષ પોતાનું કર્તવ્ય ત્યાગીને વિરોધને બદલે અવરોધ પક્ષ બની ચૂક્યો છે. પોતાની હતાશા અને નિરાશામાં આ લોકો દેશના વિકાસની સામે અવરોધ ઊભો કરી રહ્યા છે.
આ વિરોધ નથી, આ અવરોધ છે. તેમણે આને પોતાની રાજનીતિ બનાવી લીધી છે. આ લોકો સંવિધાનની મર્યાદાઓને તાર-તાર કરવામાં લાગ્યા છે. સાથીઓ, આ તાકાતો લગાતાર દેશમાં વિભાજનની સાઝિશોમાં લાગી છે. મા ભારતીનાં સંતાનોમાં આપસમાં ભાગલા પડાવીને લડાવવાનાં કુચક્ર કરવામાં આવી રહ્યાં છે. એક દશકથી વધુની હતાશા અને નિરાશાને કારણે આ લોકો હવે ખૂલીને સામે આવી ગયા છે.
કોણ વિદેશમાં ગુપ્ત રૂપથી કોને મળી રહ્યું છે? ભારતવિરોધી તાકાતો કોને સમર્થન આપી રહી છે? કોણ ભારતના દુશ્મનોની ભાષા બોલી રહ્યું છે? આપણે આ બધી પૅટર્નને ઓળખવી પડશે. આપણે એકજૂથ થઈને તેમનો મુકાબલો કરવો પડશે.
ખાસ કરીને સોશ્યલ મીડિયાનો જેવી રીતે હથિયારના રૂપમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, ભારતની છબિને ખરાબ કરવાની કોશિશ થઈ રહી છે એનાથી દેશવાસીઓએ સાથે મળીને નિપટવું પડશે.
અમે નક્સલવાદનો અંત કર્યો છે, પણ અત્યારે દિમાગી નક્સલવાદનો ખતરો દેશની ઉપરથી ટળ્યો નથી. દેશે આ દિમાગી નક્સલીઓથી હંમેશાં સતર્ક રહેવાનું છે.
દિલધડક કરતબોએ સૌને દંગ કર્યા
નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત સૌને લેવડાવ્યા એકતાના શપથ, ટૅબ્લો સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે દેશભરમાંથી આવેલા કલાકારોએ રંગ જમાવ્યો
એકતાનગર ખાતે યોજાયેલી એકતા પરેડમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની મહિલા ટુકડીએ કરેલાં દિલધડક કરતબોએ સૌને દંગ કરી દીધા હતા.
સ્ટૅચ્યુ ઑફ યુનિટીના સાંનિધ્યમાં દેશભક્તિના જોમ-જુસ્સા સાથે અર્ધસૈનિક દળોની વિવિધ ટુકડીઓ દ્વારા દમદાર પરેડ યોજાઈ હતી. CRPFની કોબ્રા બટૅલ્યન સહિત દેશનાં વિવિધ રાજ્યોનાં વિશેષ નક્સલવિરોધી સુરક્ષા-દળો પરેડનું આકર્ષણ બન્યાં હતાં. ૪૯૫૬ જવાનો સહિતના લોકોએ પરેડ કરી હતી. ૭૭૩૪ કલાકારોએ ટૅબ્લો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે પરેડ યોજી હતી. એકસાથે ૯ બાઇક પર CRPFની ૩૬ મહિલાઓએ કરતબ દર્શાવતાં નરેન્દ્ર મોદી સહિત ઉપસ્થિત સૌકોઈ દંગ રહી ગયા હતા અને તાળીઓથી તેમને વધાવી લીધા હતા. ડેરડેવિલ રાઇડર્સે બાઇક પર
જુદાં-જુદાં ફૉર્મેશન રચીને કરતબ દર્શાવ્યાં હતાં જેનું સૌકોઈએ અભિવાદન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ એકતા પરેડ બાદ માર્ગ પર ફરીને ઉપસ્થિત સૌકોઈનું અભિવાદન ઝીલ્યું હતું. તેમણે સૌને સામૂહિક એકતા શપથ લેવડાવ્યા
હતા. એકતા પરેડ બાદ આતશબાજી યોજાઈ હતી.