લૅન્ડમાર્ક હેરિટેજ ડેસ્ટિનેશન તરીકે વિકસિત થશે વડનગર

17 May, 2022 08:41 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

મહાત્મા મંદિરમાં વડનગર ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સ યોજવામાં આવશેઃ યુનેસ્કોના પ્રતિનિધિઓ, વિશ્વ અને દેશના અગ્રણીઓ રહેશે ઉપસ્થિત

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ વડનગર ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સનો પ્રારંભ કરાવશે

લૅન્ડમાર્ક હેરિટેજ ડેસ્ટિનેશન તરીકે વડનગરને વિકસિત કરવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વડનગર ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સ યોજાશે.  

મહાત્મા મંદિરમાં ૧૮ મેએ વર્લ્ડ મ્યુઝિયમ-ડેના દિવસે કેન્દ્રીય રાજ્યપ્રધાન મીનાક્ષી લેખી અને વિવિધ દેશોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ વડનગર ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સનો પ્રારંભ કરાવશે. ત્રણ દિવસ સુધી ચાલનારી આ કૉન્ફરન્સમાં વડનગરનું પુરાતન ઐતિહાસિક મહત્ત્વ, સ્થાપત્ય વારસો, નગરરચના જેવી મહત્ત્વની બાબતોને વર્તમાન પરિપ્રેક્ષ્યમાં વિશ્વ સમુદાય સમક્ષ ઉજાગર કરીને વડનગરને લૅન્ડમાર્ક હેરિટેજ ડેસ્ટિનેશન તરીકે વિકસિત કરવા માટેની વ્યૂહરચના અને આપસી વૈચારિક આદાનપ્રદાનનું સક્ષમ પ્લૅટફૉર્મ બનશે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તથા કેન્દ્રીય સાંસ્કૃતિક વિભાગ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે યોજાનારી આ કૉન્ફરન્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વતન ભૂમિ વડનગરના પુરાતત્ત્વીય વૈભવ વારસાને પ્રવાસન વૈવિધ્ય ધામ તરીકે વિકસાવવા વિશેનું સામૂહિક વિચારમંથન થશે. વડનગરના ઇતિહાસ, વિરાસત અને સાંસ્કૃતિક મહત્તા, વડનગરનાં પુરાતત્ત્વીય સ્થળો, જળવ્યવસ્થાપન, જળસંગ્રહની પરંપરાગત પદ્ધતિઓ, બુદ્ધિસ્ટ હેરિટેજ, પુરાતત્ત્વીય સંગ્રહાલયોના વિકાસ માટે વૈશ્વિક સંભાવનાઓ વગેરે વિષયોનાં ચર્ચાસત્રો યોજાશે.

આ ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ૮ અને રાષ્ટ્રીય કક્ષાના ૨૦ જેટલા વક્તાઓ, યુનેસ્કોના પ્રતિનિધિઓ, સાહિત્યકારો, ઇતિહાસવિદો, પુરાતત્ત્વવિદો, વડનગરના નગરજનો, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ સહભાગી થશે.

gujarat gujarat news narendra modi bhupendra patel