11 November, 2025 09:09 AM IST | Bhuj | Gujarati Mid-day Correspondent
ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું ચાલી રહેલું કામ.
કચ્છના વડા મથક ભુજમાં આશરે ૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે રેલવે-સ્ટેશનનું અપગ્રેડેશનનું કામ ચાલી રહ્યું છે. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ચાલી રહેલું આ કામ ૭૫ ટકા પૂરું થઈ ગયું છે. એપ્રિલ ૨૦૨૬ સુધીમાં નવા સ્ટેશનનું કામ થઈ જશે.
ભુજ સ્ટેશનની અગામી ૪૦થી ૫૦ વર્ષ સુધીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પુનઃ વિકાસ કરવામાં આવી રહ્યો છે. રેલવે-સ્ટેશનના થઈ રહેલા અપગ્રેડેશનમાં ભુજ સ્ટેશન યાર્ડમાં બે પિટ લાઇન બનાવવામાં આવી રહી છે. નવી પિટ લાઇન બનવાથી કોચિંગ ઑપરેશનોની ક્ષમતામાં વધારો થશે અને રેકની જાળવણી અને વધુ ટ્રેનોનું સંચાલન શક્ય બનશે. અપગ્રેડ થઈ રહેલા સ્ટેશનમાં મુખ્ય સ્ટેશન ભવન આશરે ૧.૩૭ લાખ ચોરસફુટ વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યું છે. ૮૦૦૦ ચોરસફુટ વિસ્તારમાં આધુનિક વેઇટિંગ એરિયા હશે જેમાં ૪૫૦થી વધુ મુસાફરોની બેઠક-વ્યવસ્થા રહેશે. સ્ટેશન પર ૩ ફુટ ઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે જેથી પ્લૅટફૉર્મ વચ્ચે અવરજવર કરવી મુસાફરોને વધુ સરળ બનશે. પ્લૅટફૉર્મ પર ૧.૨૦ લાખ ચોરસફુટની છત બનશે જેથી કોઈ પણ ઋતુમાં મુસાફરોને તકલીફ નહીં પડે. મુસાફરો માટે ૧૩ લિફટ, ૧૦ એસ્કેલેટર, આધુનિક ફાયર ડિટેક્શન સિસ્ટમ, ઍક્સેસ કન્ટ્રોલ, વાઇ-ફાઇ સુવિધા ઉપલબ્ધ થશે. આ ઉપરાંત પાર્કિંગમાં સ્ટેશનની બન્ને બાજુ પચાસથી વધુ કાર, ૪૦૦થી વધુ ટૂ-વ્હીલર, ૩૦ રિક્ષા તથા ૪ ઇલેક્ટ્રિક ચાર્જિંગ-સ્ટેશનની સુવિધા પણ હશે. ૫૦૦ કિલોવૉટ પીક (KWP) સૌરઊર્જા પ્લાન્ટ, વરસાદી પાણીના સંચય માટે સિસ્ટમ, ૫૬૦ કિલોલીટર્સ પર ડે (KLD) ગંદા પાણીનો શુદ્ધીકરણ પ્લાન્ટ બનાવવામાં આવશે.
નલિયાથી જખૌ પોર્ટ સુધી નવી બ્રૉડગેજ લાઇનનું કામ ચાલુ
૧૦૧.૪૦ કિલોમીટરના ભુજ–નલિયા મીટરગેજ સેક્શનને બ્રૉડગેજ લાઇનમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે અને હાલમાં નલિયાથી જખૌ પોર્ટ સુધીની ૨૮.૮૮ કિલોમીટરની નવી બ્રૉડગેજ લાઇન પર કાર્ય ચાલી રહ્યું છે. આનાથી રાષ્ટ્રીય રેલ નેટવર્ક સાથે કચ્છ જિલ્લાના દૂરના વિસ્તારોને બ્રૉડગેજ કનેક્ટિવિટી મળશે. આ ઉપરાંત ભુજ–નલિયા રેલવેલાઇનને વાયોર સુધી લંબાવવાનું કામ પણ ચાલી રહ્યું છે. આ કામ પૂરું થતાં દેશની સેનાને સરહદી વિસ્તારમાં પહોંચવામાં અને માલસામાનના પરિવહનમાં સુવિધા મળશે.