ગુજરાતમાં વાઇબ્રન્ટ વરસાદ ભરશિયાળે જાણે કે ચોમાસું

07 January, 2022 09:52 AM IST  |  Mumbai | Shailesh Nayak

એક તરફ ઠંડી અને બીજી તરફ કમોસમી વરસાદના કારણે લોકોએ સ્વેટરની સાથે રેઇનકોટ પણ પહેરવા પડ્યા, ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૫૮ તાલુકાઓમાં હળવો વરસાદ

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદઃ ગુજરાતમાં માવઠું થતાં ગુજરાતના લાખો ખેડૂતો સાથે નાગરિકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. ગઈ કાલે અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ભરશિયાળે જાણે કે ચોમાસાએ જમાવટ કરી હોય એવો માહોલ સરજાયો હતો. એક તરફ કડકડતી ઠંડી અને બીજી તરફ કમોસમી વરસાદથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૫૮ તાલુકાઓમાં હળવો કમોસમી વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી હતી અને રવીપાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી હતી.
ગઈ કાલે અમદાવાદમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો હતો. આ વરસાદ બંધ થયા બાદ ફરી એક વાર બપોરે વરસાદ પડ્યો હતો. એક તરફ સુસવાટા મારતા ઠંડા પવન વાતા હતા અને બીજી તરફ કમોસમી વરસાદ પડતાં બહાર નીકળતા લોકોએ સ્વેટરની સાથે રેઇનકોટ પણ પહેરવા પડ્યા હતા. અમદાવાદ ઉપરાંત દહેગામ, બાયડ પંથકમાં પણ બપોરે સતત કમોસમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ગીર સોમનાથ, સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને મહિસાગર જિલ્લામાં હળવો વરસાદ પડ્યો હતો.

gujarat Gujarat Rains gujarat news