રાજકોટમાં ગેરકાયદે બાંધકામો સામેની સૌથી મોટી કાર્યવાહી

24 February, 2026 11:03 AM IST  |  rajkot | Gujarati Mid-day Correspondent

જંગલેશ્વરમાં મ્યુનિસિપલ કૉર્પોરેશને ૮૭,૦૦૦ ચોરસ મીટર જમીન પરનાં દબાણો હટાવીને અંદાજે ૩૧૨ કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરવા હાથ ધરી કામગીરી

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં દબાણો હટાવવા માટે હાથ ધરવામાં આવેલી કામગીરી.

સૌરાષ્ટ્રના રાજકોટ શહેરના ઇતિહાસમાં પહેલી વાર સૌથી મોટું ડિમોલિશન ગઈ કાલે હાથ ધરવામાં આવ્યું હતું. આજી નદીના કિનારે ઊભાં થઈ ગયેલાં ગેરકાયદે દબાણો પૈકી સાંજ સુધીમાં ૧૧૧૯ દબાણોને તોડી પડાયાં હતાં.  

રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં સૂત્રોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં ૩૧૨ કરોડ રૂપિયાની ​કિંમતની ૮૭,૦૦૦ ચોરસ મીટર જમીન પર બની ગયેલાં ૧૪૮૯થી વધુ ઘરોને નોટિસ અપાઈ હતી. આ બાંધકામો દૂર કરવા માટે જંગલેશ્વર વિસ્તારના ૭ ઝોન પાડીને બાંધકામ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પૈકી સાંજ સુધીમાં ૧૧૧૯ મકાનો સહિતનાં ગેરકાયદે દબાણો તોડી પડાયાં હતાં. આજી નદીના કાંઠે ૯૫૦ જેટલાં મકાનો હતાં એ પૈકી ૮૦૦ ગેરકાયદે મકાનોનાં બાંધકામ દૂર કરવામાં આવ્યાં હતાં. જમીન ખુલ્લી કરીને અહીં ટાઉન-પ્લાનિંગ રોડ બનાવવામાં આવશે અને નદીકાંઠે ડેવલપમેન્ટની કામગીરી સાથે ચોમાસામાં પૂરનાં પાણી અંદર પ્રવેશી ન જાય એ માટે દીવાલ ચણવામાં આવશે.’  

જોકે જંગલેશ્વરમાં વર્ષોથી રહેતા મોટા ભાગના લોકોએ સ્વયંભૂ રીતે પોતાનાં ઘર ખાલી કર્યાં હતાં. મકાનો ખાલી કરવાં પડતાં મહિલાઓ રડી પડી હતી અને સ્થાનિક લોકોનું દર્દ છલકાયું હતું. જંગલેશ્વરમાં આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિરમાં ડિમોલિશન પહેલાં શાસ્ત્રોક્ત વિધિથી વિસ્થાપન કરવામાં આવ્યું હતું. આ મંદિરની સ્થાપના અન્ય સ્થળે કરવામાં આવશે. 

ડિમોલિશનની આંકડાબાજી

૨૫૦૦+ પોલીસ-ઑફિસરો સહિતના આટલા જવાનો બંદોબસ્તમાં જોડાયા હતા

૧૫૦૦ મ્યુનિસિપલ કૉર્પોરેશનના આટલા અધિકારીઓ સહિતના કર્મચારીઓ અને શ્રમિકો જોડાયા

૬૪+ બુલડોઝર
૯૦ ટ્રૅક્ટર 
૫૦ બ્રેકર

૪૨ ગૅસકટર

૧૪ ડમ્પર 

gujarat news gujarat rajkot gujarat government gujarat police