જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ હર્ષોલ્લાસથી યોજાઈ

30 June, 2022 08:50 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

અમદાવાદમાં આવેલા જગન્નાથજી મંદિરમાં રથયાત્રા ઉત્સવનો રંગેચંગે પ્રારંભ : મોસાળથી નિજ મંદિર પાછા આવેલા જગન્નાથજીનાં દર્શન માટે ભાવિકો ઊમટ્યા

નેત્રોત્સવ વિધિ બાદ પ્રભુનાં દર્શન માટે ભાવિકો મંદિરમાં ઊમટ્યા હતા. ભાવિકોએ પોતાના મોબાઇલમાં પ્રભુની ઝાંખી ઝીલી હતી.

અમદાવાદમાં આવેલા ભગવાન જગન્નાથજી મંદિરમાં ગઈ કાલે જગતના નાથની નેત્રોત્સવ વિધિ હર્ષોલ્લાસપૂર્વક યોજાઈ હતી. મોસાળથી નિજ મંદિર પાછાં ફરેલાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીનાં દર્શન માટે ભાવિકો ઊમટ્યા હતા અને ગુજરાત સહિત દેશભરમાંથી આવેલા સાધુ-સંતોનો મંદિરમાં ભંડારો યોજાયો હતો.

અમદાવાદના જગન્નાથ મંદિરમાં ગઈ કાલે ભગવાન જગન્નાથજી મોસાળથી પાછા ફર્યા હતા. એવી લોકવાયકા છે કે મામાના ઘરે ભગવાનને આંખો આવી હોવાથી જ્યારે તેઓ મોસાળથી નિજ મંદિર પાછા ફરે છે ત્યારે નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. ગઈ કાલે મંદિરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીની નેત્રોત્સવ વિધિ યોજાઈ હતી અને પ્રભુને આંખે પાટા બાંધ્યા હતા. ત્રણેય પ્રભુને ડાયમન્ડનું તિલક કરીને પૂજાવિધિ કરવામાં આવી હતી. ગુજરાતના ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી નેત્રોત્સવ વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા અને મંદિર પર ધજારોહણ કર્યું હતું તેમ જ આરતી પણ ઉતારી હતી. ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પણ પૂજાવિધિ કરી હતી અને આરતી ઉતારી હતી.

અમદાવાદમાં આવેલા જગન્નાથજી મંદિરમાં ગઈ કાલે નેત્રોત્સવ વિધિ યોજાયા બાદ ભાવિકોને પ્રભુનાં દર્શન થયાં હતાં એ સમયે શણગારાયેલા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીની આંખે પાટા બાંધેલા છે. 

અમદાવાદમાં શુક્રવારે યોજાનારી ૧૪૫મી રથયાત્રા પહેલાં ગઈ કાલે પ્રભુ નિજ મંદિર પાછા ફરતાં નેત્રોત્સવ વિધિ સાથે ત્રણ દિવસીય રથયાત્રા ઉત્સવનો રંગેચંગે પ્રારંભ થયો હતો. વહેલી સવારથી જ મંદિરમાં દર્શન કરવા માટે ભાવિકો ઊમટ્યા હતા. નેત્રોત્સવ વિધિ અને આરતી બાદ ભાવિકોએ મંદિરમાં ભજનોની રમજટ બોલાવી હતી અને ગરબા ગાઈને ઉત્સવ મનાવ્યો હતો.

બીજી તરફ રથયાત્રામાં સામેલ થવા દેશભરમાંથી અંદાજે બે હજાર જેટલા સાધુ-સંતો જગન્નાથજી મંદિર આવી પહોંચ્યા છે ત્યારે ગઈ કાલે બપોરે મંદિરમાં સાધુ-સંતો માટે ભંડારો યોજાયો હતો અને સાધુ-સંતોને દૂધપાક, માલપૂઆ, ભજિયાં, પૂરી, બટાટાનું રસાવાળું શાક, ચણા, કઢી અને ભાતનો પ્રસાદ પીરસાયો હતો.

gujarat gujarat news Rathyatra ahmedabad shailesh nayak