હરીન્દ્ર દવેનાં ૧૩ નવાં પુસ્તકોનો વિમોચન સમારોહ યોજાયો

20 April, 2026 10:05 AM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

સમારંભમાં અતિથિવિશેષ તરીકે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને રાજકોટના સંસદસભ્ય પરષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા

આ વિમોચન સમારંભ દરમ્યાન હરીન્દ્ર દવેનાં ૧૩ તદ્દન નવાં (પ્રથમ આવૃત્તિ) અને બે અપ્રાપ્ય પુસ્તકોના પુનઃ મુદ્રણનું વિમોચન પૂજ્ય મોરારીબાપુ દ્વારા કરવામાં આવ્યું હતું

પ્રવીણ પ્રકાશન દ્વારા ગુજરાતી સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠ સર્જક હરીન્દ્ર દવેનાં ૧૫ પુસ્તકોના વિમોચનનો ભવ્ય સમારંભ તાજેતરમાં પારસ સોસાયટી હૉલ, નિર્મલા કૉન્વેન્ટ સામે, રાજકોટમાં યોજાયો હતો.

આ વિમોચન સમારંભ દરમ્યાન હરીન્દ્ર દવેનાં ૧૩ તદ્દન નવાં (પ્રથમ આવૃત્તિ) અને બે અપ્રાપ્ય પુસ્તકોના પુનઃ મુદ્રણનું વિમોચન પૂજ્ય મોરારીબાપુ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે આશીર્વચન પાઠવતા હરીન્દ્રભાઈ સાથેનાં સંસ્મરણો અને ‘કથા રામની વ્યથા માનવની’ નવલકથા વિશે લાગણીસભર શબ્દોમાં વાતો કરી હતી.

સમારંભમાં અતિથિવિશેષ તરીકે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને રાજકોટના સંસદસભ્ય પરષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સાંપ્રત સમયમાં પુસ્તકો પ્રત્યે જાગૃતિ લાવવા અને વાંચન પ્રત્યેની રુચિ કેળવવાની અનિવાર્યતા વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ‘ફૂલછાબ’ના તંત્રી જ્વલંત છાયાએ હરીન્દ્ર દવેના સાહિત્ય-સર્જન પર પ્રકાશ પાડ્યો હતો.

હરીન્દ્રભાઈની વિદાય પછી ૩૧ વર્ષે પ્રકાશિત થયેલાં પુસ્તકોના શ્રેય માટે તરુ કજારિયા અને ડૉ. પ્રદીપ રાવલ ‘સુમિરન’નું મોરારીબાપુના હસ્તે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

નવાં ૧૩ પુસ્તકોના સંપાદક ડૉ. પ્રદીપ રાવલ ‘સુમિરન’એ પુસ્તકો વિશે વિગતવાર માહિતી આપી હતી. આ ઉપરાંત હરીન્દ્ર દવે સાથે ૧૨ વર્ષ સુધી કાર્ય કરનાર મેઘાણી પરિવારનાં સદસ્ય તરુ કજારિયાએ લેખક સાથેનાં સ્મરણો વાગોળ્યાં હતાં.

પ્રવીણ પ્રકાશનના ડિરેક્ટર ગોપાલભાઈએ હરીન્દ્ર દવેનાં ૫૧ પુસ્તકોની યાત્રા અને પ્રથમ કાર્યક્રમથી અત્યાર સુધીના પ્રવાસ વિશે માહિતી આપી હતી તથા ૧૯૯૨માં ૫૦ પુસ્તકોના અને હવે ૧૫ પુસ્તકોના વિમોચન સંદર્ભે વિગતે વાત કરી હતી. કાર્યક્રમનું સંચાલન જાણીતા પત્રકાર રાજુલ દવેએ કર્યું હતું. 

gujarat news gujarat rajkot gujaratis of mumbai gujarati community news Morari Bapu